GujaratSouth GujaratSurat

મિત્રતામાં પ્રેમિકાની વાત વચ્ચે આવતા ખેલાયો ખૂની ખેલ

સુરત શહેરમાં કામ કરતા અને સાથે જ વસવાટ કરતા બે મિત્રો વચ્ચે પ્રેમિકા આવી અને તે વાત છેક હત્યા સુધી પહોંચી ગઈ છે. ફુલવાડી ભરીમાતા રોડ, નહેરુ નગર ઝુપડપટ્ટી નજીક આવેલ તાપી નદી ખાતેથી જે લાશ મળી આવી હતી તે લાશ મોહમ્મદ જરદારની હોવાનું સામે આવ્યું છે. તેમજ પોલીસે આ હત્યાના ભેદને ઉકેલી કાઢીને આરોપીની ધરપકડ કરી છે.

ઉલ્લેખનીય છે કે, સુરત શહેરના નહેરુનગર ઝુપડપટ્ટી નજીકથી  ગળાના ભાગે ઘા મારી હત્યા કરાયેલી હાલતમાં એક વ્યક્તિની લાશ મળી આવી હતી. જેની જાણ થતાં જ ચોક બજાર પોલીસે તાત્કાલિક અસરથી ઘટના સ્થળ પર પહોંચીને આ મામલે તપાસ હાથ ધરી હતી. જેમાં પોલીસને મૃતક નું નામ મોહમંદ જરદાર હોવાનું જાણવા મળ્યું હતું. તેમજ તે સાડીના એક કારખાનામાં કામ કરતો હતો જ્યાં પવન જાટ નામનો એક વ્યક્તિ પણ તેની સાથે જ કારખાનામાં કામ કરતો અને રહેતો હતો. ત્યારે પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરવા માટે પવનની શોધખોળ હાથ ધરી હતી. તે માટે તેમણે ત્યાં આસપાસ લાગેલા સીસીટીવી કેમેરા તપાસ કર્યા તેમજ મૃતક જે કારખાનામાં કામ કરતો ત્યાંના માલિક સાથે પણ પૂછપરછ કરી હતી. જેમાં જાણવા મળ્યું કે તે બીજી જગ્યાએ નોકરી કરે છે. ત્યારબાદ પવનના એક મિત્ર સાથે પૂછપરછ કરતા તેણે જણાવ્યું કે પવન મૂળ હરિયાણાનો વતની છે. ત્યારે પોલીસની એક ટિમ હરિયાણા પહોંચી હતી. જ્યાં એક દારૂના ઠેકા પરથી પોલીસે પવનને ઝડપી પાડી પૂછપરછ હાથ ધરી હતી.

પોલીસ પૂછપરછમાં પવને જણાવ્યું કે, તે તેની પ્રેમિકા સાથે સોશિયલ મીડિયા દરરોજ વાતચીત કરતો હતો. ત્યારે મોહમંદ જરદાર મોહમંદ ઈસ્લામ અંસારી પવન ને તેની પ્રેમિકા સાથે મિત્રતા કરાવવા માટે સતત દબાણ કરતો હતો. જેથી પવન અને મૃતક બંને જણા તારીખ 11 જૂન 2023ના રોજ રાત્રે 9 વાગ્યાની આસાપાસ ફુલવાડીમાં તાપી નદીની પાળા પર બેઠા હતા. ત્યારે પવન તેની પ્રેમિકા સાથે સોશિયલ મીડિયામાં વાતચીત કરતો હતો. અને મૃતકે પવનને તેની પ્રેમિકા સાથે મિત્રતા કરાવવાનું કહેતા પવને મોહમ્મદ જરદાર પર છરી વડે જીવલેણ હુમલો કરીને તેની હત્યા કરી હતી. અને ત્યારબાદ તે સુરતથી ટ્રેન પકડીને તેના મૂળ વતન હરિયાણા જતો રહ્યો હતો. હાલ તો પોલીસે આ સમગ્ર મામલે આરોપી પવનની ધરપકડ કરી ને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.