પાડોશી છે કે દુશ્મન? નજીવી બાબતમાં પાડોશી દંપતીએ પાવડા અને લાકડી વડે એકલી પરિણીતા હુમલો કરીને જાનથી મારી નાખવાની આપી ધમકી
કહેવાય છે કે પહેલો સગો પાડોશી. કેમ કે આપણને ગમે ત્યારે જરૂર પડે સુખ હોય કે દુઃખ સગા સંબંધીઓ પછી આવે સૌથી પહેલા પાડોશી આપણા કામ માં આવતા હોય છે. પરંતુ ઘણી વખત પાડોશી દુશ્મનને પણ સારા કહેવડાવે એવા નીકળતા હોય છે. ત્યારે આવું જ કંઈક ભાવનગરમાં સામે આવ્યું છે. જ્યાં એક પરિણીતા ઉપર તેમના પાડોશમાં વસવાટ કરતા દંપતીએ નજીવી બાબતમાં હુમલો કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું સામે આવ્યું છે. ત્યારે હાલ તો આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ભાવનગર શહેરના ચિત્રા વિસ્તાર ખાતે આવેલ મોના ભાઈ ની વાડીમાં આકાશ રેસીડેન્સી માં પ્લોટનં-35 માં વસવાટ કરતા 32 વર્ષની ઉંમરના હંસાબેન ચંદુભાઈ સોલંકીએ તેમના ઘરની દિવાલ જોડે ધૂળનો પાળો કર્યો હતો. ત્યારે તેમના પડોશમાં વસવાટ કરતા રાજલબેન આહિરે આ પાળામાંથી ધૂળ ભરી લીધી હતું. તે જોતા હંસાબેને તેમના પાડોશી રાજલબેનને ધૂળ કોને ભરી તેમ પુછયું હતું. ત્યારે હંસાબેને આવો સવાલ કરતા જ રાજલબેન ઉશ્કેરાઈ ગયા હતા. અને તેમણે આ મામલે હંસાબેન સાથે ઝઘડો કરીને રાજલબેન અને તેમના પતિ રામે કે પાવડો-લાકડી જેવા હથિયારો વડે હંસાબેન પર હુમલો કરી મારમારી કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી હંસાબેનને આ ઘટનામાં લોહીયાળ ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક અસરથી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
નોંધનીય છે કે, હોસ્પિટલમાં સારવાર લીધા પછી હંસાબેને બોરતળાવ પોલીસ સ્ટેશનમાં તેમના પર હુમલો કરનાર પડોશી દંપતી રાજલ તેમજ તેના પતિ રામ આહીર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ત્યારે પોલીસે પણ ફરિયાદના આધારે ગુનો નોંધી આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.