
ગુજરાતમાં પ્રથમ વખત એવા અનોખા ડાયરાનું આયોજન કરાયું હતું જેને જાણી તમે આશ્ચર્યચકિત થઈ જશો. ગુજરાતમાં રૂપિયાના વરસાદનો નહીં પરંતુ રોટલીઓ માટે ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યમાં પ્રથમ વખત પશુઓ માટે રોટલીયોત્સવ આયોજિત કરવામાં આવ્યો છે. આ લોકડાયરો જાણીતા ગાયક કલાકાર કીર્તિદાન ગઢવી દ્વારા યોજવામાં આવ્યો હતો. જેમાં લોકો રૂપિયાના બદલે રોટલા અને રોટલી લઈને આવ્યા હતા.
પાટણમાં આવેલ રોટલીયા હનુમાન મંદિરને એક વર્ષ પૂર્ણ થતા કિર્તીદાન ગઢવીના ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. પાટણ ખાતે રોટલીયા હનુમાન દાદાના લાભાર્થે યોજાયેલ આ લોક ડાયરામાં રૂપિયાના વરસાદ સાથે જીવદયાનું પણ ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું હતું. લોક ડાયરામાં પ્રવેશ માટે એક વ્યક્તિના પ્રવેશ માટે એક રોટલો કે દસ રોટલી સાથે લઇ આવનારને જ પ્રવેશ અપાયો હતો.
આ લોક ડાયરાના આયોજક સ્નેહલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આ લોક ડાયરામાં જીવદયા પ્રેમીઓ મોટી સંખ્યામાં રોટલો અને રોટલીઓ લઇને લોકો આવ્યા અને થોડાક જ સમયમાં સ્ટેજ ઉપર રોટલા અને રોટલીના ઢગલો થઈ ગયો હતો. તેની સાથે લોકોએ લોકડાયરાની મજા માણી હતી.
તમને જણાવી દઈએ કે, કલાકાર કીર્તિદાન ગઢવીએ ડાયરામાં અનોખો માહોલ જોવા મળ્યો હતો. તેમના ગીતો પર લોકો દ્વારા રૂપિયા વરસાવવાનું શરૂ કરવામાં આવ્યું હતું. લોક ડાયરા દરમિયાન કીર્તિ દાન ગઢવીએ જણાવ્યું હતું કે, આપણી પરંપરા મુજબ જીવદયા માટે દરેક લોકો આગળ આવતા હોય છે અને એવામાં પાટણ ખાતે આવેલ રોટલીયા હનુમાન મંદિર માં ફૂલ કે આભૂષણની જગ્યાએ રોટલા કે રોટલી ચઢાવાય છે. જ્યારે આ ડાયરામાં પૈસાની જગ્યાએ રોટલા-રોટલીના ઢગલા લોકો દ્વારા કરી દેવામાં આવ્યા હતા. આ સિવાય લોકોજને તેમને જણાવ્યું કે, તમે જ્યારે મંદિર જાવ તો રોટલો કે રોટલી જરૂર લઈને જાજો.