ભારતનું એવું અનોખું મંદિર જ્યાં ‘રોયલ એનફિલ્ડ’ બાઇકની પૂજા થાય છે, જાણો કારણ

આજકાલ સોશિયલ મીડિયા પર એક એવા મંદિરની ખૂબ ચર્ચા થઈ રહી છે જ્યાં કોઈ ભગવાનની નહીં પણ બાઇકની પૂજા થાય છે. રાજસ્થાનના પાલી જિલ્લાની નજીક બનેલું આ મંદિર ઘણું પ્રસિદ્ધ છે પરંતુ આજે પણ ઘણા લોકો આ મંદિર વિશે નથી જાણતા.’બુલેટ બાબા’ના નામથી પ્રખ્યાત આ મંદિરની વાર્તા ખૂબ જ રસપ્રદ છે. આવો અમે તમને આ મંદિર સાથે જોડાયેલી વાતો જણાવીએ.

આ મંદિર ‘બુલેટ બાબા’ તરીકે જાણીતું છે, જોધપુર અને અમદાવાદને જોડતા NH62 પર પાલી શહેરથી લગભગ 53 કિમી દૂર આવેલું છે. આ મંદિરમાં કોઈ ભગવાનની પૂજા થતી નથી. દર વર્ષે મોટી સંખ્યામાં લોકો અહીં 350 CC રોયલ એનફિલ્ડ (Royal Enfield) બુલેટ (RNJ 7773)ની પૂજા કરવા આવે છે.

તમને જણાવી દઈએ કે આ અનોખા મંદિરમાં જ્યાં લોકો બુલેટની પૂજા કરે છે, ત્યાં એક પ્રતિમા અને તેના માલિક ઓમ સિંહ રાઠોડનો ફોટો લગાવવામાં આવ્યો છે. એવું માનવામાં આવે છે કે ઓમ સિંહ રાઠોડનું મૃત્યુ વર્ષ 1988માં એક અકસ્માતમાં થયું હતું. અકસ્માત બાદ પોલીસ બાઇકને પોલીસ સ્ટેશન લઇ ગઇ હતી. પરંતુ આશ્ચર્ય ત્યારે થયું જ્યારે બીજા દિવસે બાઇક પોલીસ સ્ટેશનમાં ન હતું. શોધખોળ કરતાં અકસ્માત સ્થળ પરથી બુલેટ બાઇક મળી આવી હતી.

પોલીસે બાઇક ફરી પાછું લીધું પણ બીજા દિવસે ફરી એ જ થયું. આવું થોડા દિવસો સુધી ચાલતું રહ્યું ત્યારબાદ ગામ લોકોએ ત્યાં મંદિર બનાવવાનું નક્કી કર્યું. આજે આ મંદિર એ જ જગ્યાએ બનેલું છે જ્યાં 1988માં ઓમ સિંહ રાઠોડનું અવસાન થયું હતું. તમને જણાવી દઈએ કે આ સંપૂર્ણ માહિતી આદિત્ય કોંડાવર નામના વ્યક્તિએ સોશિયલ મીડિયા પોસ્ટ શેર કરીને આપી છે.