વડોદરાના એકતાનગરમાં હનુમાન ચાલીસા બંધ કરાવવા બાબતમાં બે જૂથ વચ્ચે અથડામણ થઈ હોવાનું સામે આવ્યું છે. જેમાં પથ્થરમારો થતાં ત્રણ લોકોને ઈજા થઈ હોવાનું સામે આવી હતી. પોલીસ દ્વારા ઘટનાની જાણકારી મળતા તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચીને સ્થિતિ કંટ્રોલ કરી લીધી હતી. બે ઇજાગ્રસ્તોને સયાજી હોસ્પિટલમાં સારવાર માટે મોકલી દેવાયા હતા. તેની સાથે જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા કોમ્બિગં શરૂ કરી દેવામાં આવ્યું હતું. જ્યારે સ્થાનિક અને સંગઠનના લોકો બાપોદ પોલીસ સ્ટેશન દોડી આવ્યા હતા.
જાણકારી મુજબ, બાપોદ વિસ્તારમાં ઘટના સર્જાતા ACP, DCP કક્ષાના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા. આ મામલામાં બાપોદ પી. આઈ એમ. આર સંગડા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આ ભજન કે હનુમાન ચાલીસ બાબતમાં બબાલ થઈ હતી. રમઝાન ચાલતા હોવાના લીધે અવાજ ધીમો કરવાનું કહેવામાં આવતા ઝઘડો થયો હતો. જેમાં ત્રણ વ્યક્તિને ઈજા પહોંચી છે. તેમની સારવાર હાલ ચાલી રહી છે. હાલમાં ઘટના સ્થળ પર પોલીસ છે અને શાંતિનો માહોલ રહેલો છે. હાલમાં પોલીસ ફરિયાદ અંગેની કાર્યાવહી હાથ ધરવામાં આવી છે.
આ ઘટનામાં હરીશ સરાણિયા, દીપકભાઈ સરાણીયા અને રાહીલ શેખ નામના વ્યક્તિને ઈજા પહોંચી છે. તેની સાથે એકતાનગરમાં થયેલ પથ્થરમારના બનાવના લીધે બાપોદ પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસ દ્વારા ઇ. પી. કો કલમ 143, 147, 149, 294(ખ), 323 અનુસાર ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તેમજ સાત આરોપી સામે નામજોગ અને અન્ય 25 ના ટોળા સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
આ ઘટનામાં રાહુલ હુસેનમિયા શેખ, આશીફ હુસેનમિયા શેખ, સેજાન ઉર્ફે મુન્નો અંસારી, હુસેન ચુનિયાનો છોકરો, લતીફ બન્નુમિયા ધોબી, હરીશ અમૃત સરાણીયા અને દિપક અમૃત સરાણીયા આરોપીઓના નામ સામેલ છે.