ડીસા-પાલનપુર હાઇવે પર સર્જાયો ગોઝારો અકસ્માત, ઘટનાસ્થળ પર જ થયા બે યુવકોના મોત
ડીસા-પાલનપુર નેશનલ હાઇવે ખાતે ગત મોડી રાત્રીના સમય દરમિયાન બાઇક પર સવાર થઈને જઈ રહેલા બે યુવકો રોડની સાઈડમાં ઊભી રહેલી ટ્રક પાછળ ઘૂસી જતાં ભયંકર અકસ્માત સર્જાયો હતો. જેમાં ઘટના સ્થળ પર બંને યુવકના મોત નિપજ્યુ હતું. આ અકસ્માત ત્યાં લાગેલ CCTV કેમેરામાં કેદ થઈ જતા તેનો વીડિયો વાયરલ થયો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, ડીસા-પાલનપુર નેશનલ હાઈવે પર આવેલ એલિવેટેડ બ્રિજ ખાતે એક ગોઝારો અકસ્માત સર્જાયો હતો. ડીસા તાલુકાના નાની આખોલ ગામના વતની એવા 24 વર્ષની ઉંમરના સુરેશસિંહ દરબાર અને તેમને ત્યાં જ નોકરી કરતા 22 વર્ષની ઉંમરના વિજયસિંહ દરબાર રાત્રે તેમનો પાનનો ગલ્લો બંધ કરીને બાઈક લઈને તેમના ઘરે ભોયણ ગામ બાજુ જઈ રહ્યા હતા. આ દરમિયાન એલિવેટેડ બ્રિજ પૂર્ણ થતાંની સાથે જ તેઓ અચાનક જ રોડની બાજુમાં ઊભી રહેલી એક ટ્રક પાછળ ઘૂસી જતાં ભયંકર અકસ્માત સર્જાયો હતો. ત્યારે આ અકસ્માતમાં બાઈક સવાર બંને યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગયા હતા અને તેમનું ઘટનાસ્થળ પર જ મોત નિપજ્યુ હતું.
નોંધનીય છે કે, આ બનાવની જાણ થતાં જ ડીસા શહેર દક્ષિણ પોલીસ, અદાણી કંપનીની ટીમ તેમજ નેશનલ હાઈવે ઓથોરિટી તાત્કાલિક અસરથી ઘટનાસ્થળ પર હતી. તો આ અકસ્માતને પગલે ત્યાં લોકોનાં ટોળેટોળાં ભેગા થઈ ગયા હતા. પોલીસે આ અકસ્માતમાં મૃત્યુ પામેલ બંને યુવકોના મૃતદેહને સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને આ સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
તમને જણાવી દઈએ કે, આ સમગ્ર ઘટના ત્યાં લાગેલ એક સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ત્યારે આ સીસીટીવી હાલ તો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.