Gujarat

“મૈયરમાં મનડું નથી લાગતું” અભિનેત્રી ચારૂબેન પટેલનું ​​​​​​​હાર્ટ-એટેકથી નિધન

ગુજરાતી ફિલ્મ જગતમાં હાલ શોકનું મોજું ફરી વળ્યું છે, કારણ કે ગુજરાતી નાટકો અને ફિલ્મોના પીઢ અભિનેત્રી ચારૂબેન પટેલ (Charuben Patel)નું 83 વર્ષની વયે નિધન થયું છે. 70થી વધુ ફિલ્મમાં અભિનય કરનાર અને ગુજરાત ગૌરવ પુરસ્કારથી સન્માનિત પીઢ અભિનેત્રી ચારૂબેન પટેલનું 83 વર્ષની વયે હાર્ટ-એટેકથી નિધન થયું છે.

Charuben Patel ચારૂબેન આણંદ તાલુકાના બાકરોલ ગામમાં રહેતા હતાં. તાજેતરમાં તેઓને પગમાં ફેક્ચર થયું હતું જેથી કૃષ્ણ હોસ્પિટલમાં ચારૂબેનની સારવાર ચાલી રહી હતી.બુધવારે સવારે હાર્ટ-એટેક આવતાં ચારૂબેન પટેલનું હોસ્પિટલમાં જ નિધન થયું છે.રવિવારે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

જણાવી દઈએ કે ચારૂબેન નારણભાઈ પટેલનો જન્મ તારીખ 12 જાન્યુઆરી 1940ના રોજ આફ્રિકા ખાતે થયો હતો. તેઓએ 23 વર્ષની ઉંમરે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નોકરી શરૂ કરી હતી અને 1998 સુધી નોકરી કરી હતી. ચારૂબેનને 24 વર્ષની ઉંમરે નોકરીની સાથે નાટ્યક્ષેત્રમાં પણ ઝંપલાવ્યું હતુ. વર્ષ 1972 થી 1986 સુધી દર્શન થિયેટર્સના નેજા હેઠળ લગભગ 15 નાટકોનું નિર્માણ પણ કર્યું હતું. જેને ગુજરાત રાજ્યના ઇનામો મળેલા છે.

ચારૂબેને 70થી વધુ ફિલ્મોમાં કામ કરેલું છે. ચારૂબેને વર્ષ 1998 માં ગુજરાતી ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યુ હતું. જેમાં મૈયરમાં મનડું નથી લાગતું, મેંતો પાલવડે બાંધી પ્રિત, માંડવડા રોપાવો માણારાજ, દીકરીનો માંડવો જેવી ફિલ્મો પણ છે.