GujaratSaurashtra

જીગ્નેશ મેવાણીના આક્ષેપ બાદ સાવરકુંડલાના યુવકના મૃતદેહને બહાર કાઢીને પીએમ અર્થે ખસેડાયો

અમરેલી જિલ્લાનાં સાવરકુંડલા ટાલિકનાં બગોયા નામના ગામની સીમમાંથી અરવિંદ પરમાર નામનાં એક યુવકનો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. ત્યારે તેના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યા વિના જ અંતિમ સંસ્કાર કરીને જમીનમાં મૃતદેહને દાટી દીધો હતો. જે પછી  વડગામના ધારાસભ્ય અને પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ જીગ્નેશ મેવાણીએ સરકાર અને એસ.પી વિરુદ્ધ ગંભીર પ્રકારના આક્ષેપ કર્યા હતા. જેને પગલે યુવકના મૃતદેહને બહાર કાઢીને ઉચ્ચ અધિકારીઓએ તેને પોસ્ટમોર્ટમ માટે મોકલવાની કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ પ્રાંત કલેકટર ની નજર હેઠળ મૃતક યુવક નું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, યુવકનું મૃત્યું થયા પછી સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં યુવક કહી રહ્યો છે કે ચૂંટણી પુરી થાય પછી અથવા તો ચૂંટણી પહેલા જ મારૂ ખૂન થાય તેમ છે તેવી જાણ મેં એસ.પી સાહેબને કરેલી છે. તેમજ મારી પાસે તેનું ઓડિયો રેકોર્ડીંગ પણ છે. ત્યારે નનકુભા દરબાર તેમજ બીજી જ્ઞાતિનાં લોકો પણ છે. આ બધા જ લોકોની અરજી મેં આપી દીધી છે. મારા ઘરે તેની ટપાલો પણ આવેલી છે. તેમજ મેં આ અંગે 8 જિલ્લાની પોલીસને જાણ કરી છે.  ત્યારે કોઈ પણ નારી હત્યા કરે તો નનકુભા દરબારને સૌથી પહેલા પકડવાનો. મારી હત્યા થાય તો તેની જવાબદારી નનકુભાની છે. પણ મારી હત્યા કરવી હોય તો પાછળથી વાર ન કરતા. અમે કુલ પાંચ પાંડવો છીએ હું એક જતો રહીશને તો કોઈ જ ફરક નહી પડે.

સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટના જણાવ્યા અનુસાર, હાલ તો આ સમગ્ર મામલે સીઆરપીસીની કલમ 174 અકસ્માતે મોત હેઠળની ઘટના બનેલ છે. પરંતુ  મીડિયામાં સમાચાર આવ્યા પછી હાલ મૃતદેહના પોસ્ટમોર્ટમની કાર્યવાહિ હાથ ધરવામાં આવી છે. ત્યારે એફએસએલ અધિકારી, સમાજ કલ્યાણ અધિકારી, સવડીવીઝનલ મેજિસ્ટ્રેટ તેમજ મામલતદારની  હાજરીમાં અમે મૃતદેહને કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીએ છીએ. મીડિયામાં વહેતા થયેલા સમાચારને કારણે આ કેસમાં કોઈ શંકને સ્થાન ના રહે તે માટે આ સમગ્ર કાર્યવાહિ હાથ ધરેલી છે.