SaurashtraGujarat

બનાસકાંઠાની દાંતાની શાળામાં દુઃખદ ઘટના બાદ આચાર્યને કરાયા સસ્પેન્ડ, સ્કૂલમાં બે બાળકીના થયા હતા મોત

બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના મોરડુંગરા ગામ થી ગઈ કાલના એક દુઃખદ ઘટના સામે આવી છે. આ ગામની મોરડુંગરા પ્રાથમિક શાળાના મેદાનમાં હીંચકે ઝૂલતી ત્રણ સગી બહેનો ને કરંટ લાગતા બે બહેનોના મૃત્યુ નીપજ્યા હતા. જ્યારે ત્રીજી બહેન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. જ્યારે હવે આ મામલામાં મોટા સમાચાર સામે આવ્યા છે.

બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં મોરડુંગરા શાળાના આચાર્યની ગંભીર બેદરકારી સામે આવતા શિક્ષણ વિભાગ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. સ્કૂલના પ્રિન્સિપાલ લક્ષ્મણભાઈને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે, શુક્રવારના શાળામાં હીંચકા ખાતી વખતે ત્રણ ત્રણ સગી બહેનોને કરંટ લાગતા બે બહેનોના મોત નીપજ્યા હતા. જ્યારે એક બહેન સારવાર હેઠળ રહેલી છે.

તમને જણાવી દઈએ કે, બનાસકાંઠાના દાંતા તાલુકામાં આ ઘટના બન્યા બાદ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી વિનુ પટેલ દ્વારા મોરડુંગરા શાળાની મુલાકાત લેવામાં આવી હતી. સમગ્ર શાળાનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. સીઆરસીના રિપોર્ટમાં અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીના રિપોર્ટમાં આચાર્યની બેદરકારી જોવા મળી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ, મોરડુંગરા પ્રાથમિક શાળાના મેદાનમાં આવેલા લોંખડ ના હીંચકા સાથે પાણીના પમ્પનું સ્ટાર્ટર બોર્ડ લગાવવામાં આવ્યું હતું. તેના લીધે લોખંડના હીંચકામાં વીજપ્રવાહ પ્રસરી ગયો હતો. તેના લીધે દરમિયાન હીંચકે ઝૂલતી ત્રણ સગી બહેનોને કરંટ લાગી ગયો હતો. તેના લીધે બે બહેનોના મૃત્યુ નીપજ્યા અને ત્રીજી બહેન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. જ્યારે આ ઘટનામાં સૌથી આશ્ચર્યચકિત કરનારી વાત એ છે કે, આ ત્રણેય બાળકીઓ મોરડુંગરા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી નહોતી. આ બાળકીઓને તેના માતા-પિતા સામાજીક પ્રસંગે મોરડુંગરા ગામમાં સાથે લઈને ગયા હતા.

ઘટનામાં દીવાબેન ડાભી (ઉંમર 6 વર્ષ) અને કરણીબેન ડાભી (ઉંમર 4 વર્ષ) નું મૃત્યુ નીપજ્યું છે. જ્યારે નમ્રતાબેન ડાભી (ઉંમર 8 વર્ષ) આ ઘટનામાં ઈજાગ્રસ્ત થઈ છે. સાંધોશી ગામના પરિવારની આ ત્રણેય બાળકીઓમાં મોટી બાળકી હાલમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલ છે. જ્યારે બે બાળકીઓના મૃતદેહને પીએમ અર્થે માંકડી સીએચસી ખાતે ખસેડાવા આવ્યા છે.