અમદાવાદમાં સવારથી ધુમ્મસ ભર્યું વાતાવરણ છવાયું, આટલા દિવસ રહેશે વરસાદી માહોલ
ગુજરાતમાં આજે ઠંડીની સીઝનમાં વરસાદી માહોલ બન્યો રહેશે. ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા આજથી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં વરસાદ વરસી શકે છે. જેના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થઈ શકે છે. કેમ કે શિયાળું પાકને કમોસમી વરસાદ નુકસાન પહોંચાડી શકે છે.
તેની સાથે અમદાવાદ સહિત ગુજરાતમાં આજ સવારથી ધુમ્મસ ભર્યું વાતાવરણ જોવા મળ્યું છે. જેના લીધે વાહનચાલકોને ગાડી ચલાવવું મુશ્કેલ બન્યું છે. કેમ કે અમદાવાદમાં દુર-દુર સુધી માત્ર ધુમ્મસ જોવા મળી રહ્યું છે. તેની સાથે ભેજ પણ રહેલો છે. જેના લીધે વરસાદનો પણ અહેસાસ થઈ રહ્યો છે. હવામન વિભાગ મુજબ આજે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ વરસવાની આગાહી કરી છે. જ્યારે આ વરસાદી માહોલ બે દિવસ સુધી બન્યો છે. બે દિવસ બાદ ગુજરાતમાં ફરી ઠંડી જોર પકડશે.તેના લીધે લોકો ઠંડીમાં ઠુંઠવાશે.
જ્યારે 22 જાન્યુઆરીના રોજ દાહોદ, પંચમહાલ, વડોદરા, ભરૂચ, છોટા ઉદયપુર, સુરતમાં કમોસમી વરસાદ વરસશે. વેસ્ટર્ન ડિસ્ટર્બનસની અસરને પગલે વરસાદની શક્યતા છે. દરિયાઈ કાંઠામાં 60 કિમી ઝડપે પવનોની ગતિ તેજ રહેવાના છે. જેના લીધે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના પણ આપી દેવામાં આવી છે.