Ahmedabad

અમદાવાદમાં અધિકારીએ કર્યો મોટો ખુલાસો: શહેરમાં અંદાજીત આ 14000 લોકો દ્વારા કોરોના ફેલાઈ શકે છે

અત્યાર સુધીમાં, ગુજરાતના અમદાવાદશહેરમાં કોરોના વાયરસના કુલ 334 જેટલા ‘સુપર સ્પ્રેડર્સ’ મળી આવ્યા છે. એક અધિકારીએ કહ્યું કે આ જ એક મુખ્ય કારણ છે કે અહીં 15 મી મે સુધી કરિયાણા અને શાકભાજીની દુકાનો સદંતર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

જિલ્લામાં કોરોના વાયરસ સંબંધિત સર્વેલન્સ અને સંકલનની દેખરેખ માટે નિમણૂક કરાયેલા અધિક મુખ્ય સચિવ ગુપ્તાએ જણાવ્યું હતું કે બે દિવસમાં આશરે 2000 જેટલા શંકાસ્પદ સુપર સ્પ્રેડરોની તપાસ કરવામાં આવી છે અને પાલિકાએ 7 મેથી 15 મે દરમિયાન એક સપ્તાહમાં દૂધ અને દવાઓ સિવાય તમામ દુકાનો બંધ રાખવાની કડક સૂચના આપવામાં આવી છે.

એક અધિકારીએ જણાવ્યું હતું કે તેમનું માનવું છે કે અમદાવાદમાં લગભગ 14,000 સુપર સ્પ્રેડર્સ હોઈ શકે છે અને આગામી ત્રણ દિવસમાં તે બધાની તપાસ કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે જિલ્લાના પરા અને ગ્રામીણ વિસ્તારોમાં પણ સ્ક્રીનીંગ કરવામાં આવ્યું છે.

અમદાવાદ પાલિકાએ એક સર્વેલન્સ પ્રોગ્રામ અંતર્ગત 20 એપ્રિલથી આવા લોકોની ઓળખ શરૂ કરી હતી અને અત્યાર સુધીમાં આવા શકમંદોના 3,817 નમૂના લેવામાં આવ્યા છે. અધિકારીએ જણાવ્યું હતું કે આ 3,817 નમૂનાઓમાંથી 334 નો તપાસ રિપોર્ટ સકારાત્મક બહાર આવ્યો છે.

શનિવાર સુધીમાં ગુજરાતમાં કોરોના વાયરસના 7,797 પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે આ જીવલેણ રોગચાળાને કારણે 472 લોકોનાં મોત નીપજ્યાં છે. જેમાં એકલા અમદાવાદમાં 5,540 કેસ નોંધાયા છે અને 363 લોકોનાં મોત નીપજ્યાં છે.