અમદાવાદની એક કંપનીમાં થયો કોરોના વિસ્ફોટ, એક સાથે નોંધાયા 183 કેસ
અમદાવાદમાં સતત કોરોનાનો કાળો કહેર જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં છેલ્લા થોડા દિવસોથી કોરોનાના કેસમાં રેકોર્ડ વધારો જોવા મળી રહ્યો છે. અમદાવાદ શહેરમાં આજે આઠ હજારથી વધુ કેસ સામે આવ્યા છે. જે ચિંતા વધારનાર છે. કેમકે અમદાવાદમાં સતત કોરોનાના કહેર વધતા અમદાવાદની મનપાની ચિંતામાં વધારો થઈ રહ્યો છે. એવામાં આજે અમદાવાદના સાણંદ તાલુકાના ચાંગોદરની એક કંપની વિસ્ફોટ થયો છે. જેના લીધે હાહાકાર સર્જાયો છે.
પ્રાપ્ત માહિતી મુજબ જાણવા મળ્યું છે કે, ચાંગોદરમાં આવેલી રામદેવ ફૂડ પ્રોડક્ટ્સ નામની કંપનીમાં કોરોનાનો બ્લાસ્ટ થયો છે. આ કંપનીમાં કોરોનાના કહેરને જોતા ટેસ્ટીંગની કામગીરી શરુ કરવામાં આવી હતી. જેમાં ૬૬૯ જેટલા લોકોના RTPCR ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાં ૧૮૩ લોકોનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. જેના લીધે અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. તેની સાથે જાણવા મળ્યું છે કે, કોરોનાના આટલા કેસ એક કંપનીમાં આવતા તેમાં તમામ કોરોના પોઝીટીવ કર્મચારીઓને હોમ આઈસોલેશનમાં રહેવાની સૂચના અપાઇ છે.
આ સિવાય પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યું છે. જ્યારે આટલી મોટી સંખ્યામાં કોરોનાના કેસ આવતા હાહાકાર સર્જાઈ ગયો છે. જ્યારે અમદાવાદ કોર્પોરેશનમાં છેલ્લા 24 કલાકમાં 8627 નવા કેસ સામે આવ્યા છે જ્યારે 3081 દર્દીઓ સારવાર દરમિયાન સાજા પણ થયા છે. જ્યારે એક વાત સ્પષ્ટ છે કે, અમદાવાદમાં સતત કોરોનાના કેસનો બ્લાસ્ટ થઈ રહ્યો છે.