AhmedabadCrimeGujaratMadhya Gujarat

પત્ની પર શંકા થતા પતિએ પત્નીના ગળા પર બ્લેડ મારીને હત્યા કરી નાખી

પતિ-પત્નીના સંબંધમાં અવિશ્વાસ પેદા થવો એ ખતરાની ઘંટી સમાન છે. અને ક્યારેક તો આ અવિશ્વાસ જીવલેણ પણ બની જતો હોય છે. આવી જ એક ઘટના અમદાવાદ શહેરમાં સામે આવી છે. જ્યાં એક પતિને શંકા હતી કે તેની પત્ની બીજા કોઈ પુરુષ સાથે આડા સબંધ ધરાવે છે. અને માત્ર શંકાના આધારે પતિએ તેની પત્નીના ગળાના ભાગે બ્લેડથી ઘા કરીને હત્યા કરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં વસવાટ કરતા સિહનાબાનુએ તેમની પુત્રી તોફિયાબાનુની હત્યાની ફરિયાદ વટવા પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે. સિહનાબાનુ પઠાણે પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, તેમની પુત્રી તોફિયાબાનુની તબિયત ખરાબ છે તેવી જાણકારી પુત્રીની નણંદે ગઈકાલે રાત્રે મને ફોન કરીને જાણકરી આપી હતી. પુત્રીની તબિયત ખરાબ હોવાનું સાંભળીને સિહનાબાનુ તુરંત જ દીકરીના સાસરે પહોંચ્યા હતા.

ત્યાં પહોંચતા જ તેઓ પોતાની દીકરીને બાથરૂમમાં લોહી લુહાણ હાલતમાં જોઈને ચોંકી ગયા હતા. પોતાની દીકરીની આવી હાલત જોઈને તેમણે પુત્રીની નણંદને સમગ્ર બાબત વિષે પૂછ્યું હતું. ત્યારે પુત્રીની નણંદે કહ્યું કે, ગઈ કાલે રાત્રે જયારે તેઓ ઊંઘમાંથી ઉઠ્યા હતા તે દરમિયાન મારો ભાઈ જુનેદખાન બ્લેડથી તેની પત્ની અને મારી ભાભીના ગળાના ભાગે ઘા કરી રહ્યો હતો. અને પછી તે બ્લેડ મારીને ફરાર થઇ ગયો હતો.

જુનેદ ખાનને શંકા હતી કે તેની પત્ની તોફિયાબાનુ બીજા પુરુષ સાથે આડા સબંધ ધરાવે છે. અને આ વાતને લઈને બંને પતિ-પત્ની વચ્ચે અવારનવાર ઝગડા પણ થતા હતા. અને આ જ ઝગડાના કારણે મૃતક તોફિયાબાનુ પંદર દિવસ પહેલા પોતાની માતાને ત્યાં રહેવા આવી ગઈ હતી. જો કે, બાદમાં જુનેદખાન 22 જાન્યુઆરીના રોજ તોફિયાબાનુને સમજાવીને પોતાના ઘરે પરત લઇ ગયો હતો. અને ગત રાત્રીએ ફરીથી એ જ વાતને લઈને જુનેદ ખાને તેની પત્નીની હત્યા કરી હતી. ત્યારે આ મામલે પોલીસે હાલ ફરિયાદના આધારે આરોપીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.