અમદાવાદના ચાંદલોડીયાથી પતિ પત્ની ઔર વોનો કિસ્સો, પત્નીએ કંટાળીને કરી આત્મહત્યા
અમદાવાદના ચાંદલોડીયાથી પતિ પત્ની ઔર વોનો કિસ્સો સામે આવ્યો છે. પરંતુ આ મામલાનું પરિણામ એટલું ગંભીર આવ્યું કે પતિના અફેરથી કંટાળીને પત્નીએ અંતે આત્મહત્યા કરી લીધી છે. અમદાવાદના ચાંદલોડીયા વિસ્તારમાં રહેનાર એક મહિલાએ તેના પતિ અને પ્રેમિકાના ત્રાસથી આત્મહત્યા કરી લીધી હોવાનું સામે આવ્યું છે. તેમાં પણ જાણવા મળ્યું છે કે, 32 વર્ષના લગ્નજીવન બાદ પણ તેને ઘરમાં સતત ત્રાસ મળી રહ્યો હતો જેના કારણે અંતે મહિલા આપઘાત કરવાનું પગલું ભર્યું હતું.
જ્યારે આ અગાઉ અમદાવાદના ચાંદલોડીયા વિસ્તારમાં રહેનાર એક મહિલાની તબિયત બગડતા તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તે દરમિયાન તેને મૃત જાહેર કરવામાં આવી હતી પરંતુ મૃત્યુ પાછળ તેના પરિવારજનો મહિલાને બ્લડપ્રેશરની બીમારી હોવાનું કહી રહ્યા હતા પરંતુ મહિલાનું મોત શંકાસ્પદ લાગતા પોલીસ દ્વારા સખ્ત પગલા ભરવામાં આવ્યા હતા.
પોલીસ દ્વારા આ સમગ્ર મામલાની તપાસ માટે મહિલાના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી દેવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જ્યારે પીએમ રિપોર્ટમાં આ મહિલાનું મોત બ્લડ પ્રેશરના કારણે નહીં પરંતુ આત્મહત્યા કરવાના કારણે થયું હોવાનું સામે આવ્યું હતું. જેના લીધે આ સમગ્ર ઘટનામાં નવો મોડ સામે આવ્યો હતો.ત્યાર બાદ પોલીસ દ્વારા મૃતક મહિલાના પતિની કડકાઈથી પૂછપરછ કરવામાં આવી તો સત્ય સામે આવી ગયું હતું. તેમાં જાણવા મળ્યું હતું કે, તેના મૃતક મહિલા સાથે 32 વર્ષ પહેલા લગ્ન થયા હતા અને લગ્ન જીવનમાં તેમને અત્યાર સુધી કોઈ સંતાન પણ થયું નહોતું.
જેના કારણે અઢી વર્ષ પહેલા તે બે દીકરાની માતાને પોતાની સાથે લિવ ઈન રિલેશનશિપમાં રહેવા માટે લઈ આવ્યો હતો. તેના કારણે એક જ ઘરમાં પ્રેમિકા અને પત્ની રહેવા લાગ્યા હતા અને આ દરમિયાન પતિ અને પ્રેમિકા મહિલાને સતત માનસિક ત્રાસ આપવાની સાથે ઘરની બહાર નીકળી જવાની ધમકી આપી રહ્યા હતા. તેના અંતે મહિલાએ કંટાળીને આત્મહત્યાનું પગલું ભરી લીધું હતું. જ્યારે આ ઘટનાની જાણકારી મળતા જ સોલા પોલીસ દ્વારા મૃતક મહિલાના મોત માટે જવાબદાર વ્યક્તિઓ સામે આત્મહત્યાની દુષ્પ્રેરણા અંગેનો ગુનો નોંધી કાર્યવાહી શરુ કરવામાં આવી છે.