અમદાવાદવાસીઓ બહાર નીકળતા પહેલા આ સમાચાર જરૂર વાંચી લેજો. કેમકે આજે અમદાવાદમાં રિક્ષાચાલકો અને ટેક્સી ચાલકો હડતાળ પર ઉતરી ગયા છે. અમદાવાદમાં આજે લગભગ 2.5 લાખ જેટલાં રિક્ષાચાલકો અને 80000 જેટલાં ટેક્સી ચાલકો દ્વારા હડતાલ પાડવામાં આવી છે.
જાણકારી મુજબ, રિક્ષાચાલકો અને ટેક્સી ડ્રાઈવર્સ દ્વારા માંગ કરવામાં આવી છે કે, સફેદ નંબર પ્લેટ પર ગેરકાયદેસર એગ્રીગેટર કંપનીઓના શહેરોમાં ચાલી રહેલા ટુ વ્હિલર બંધ કરી દેવામાં આવે. આ કારણોસર રિક્ષાચાલકો અને ટેક્સી ડ્રાઈવર્સ દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની જાહેરાત કરવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે, રિક્ષાચાલકો અને ટેક્સી ડ્રાઇવર્સ દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે, ઉબેર, ઓલા, રેપિડો જેવી કંપનીઓ દ્વારા આરટીઓના નિયમ મુજબ ભાડું ચુકવાતા નથી. બીજી તરફ ઓનલાઈન એપ્લિકેશનના લીધે હેરાનગતિનો પણ સામનો કરવાનો વારો આવે છે. આ કારણોસર આજે હડતાલ જાહેરાત કરી છે. તેની સાથે રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન સહિતના અનેક ભીડવાળા વિસ્તારોમાં મુસાફરોને મુશ્કેલીનો સામનો વેઠવાનો વારો આવી શકે છે.