અમદાવાદ-વડોદરાના BF.7 દર્દીની હાલત કેવી? અને કેટલો ખતરનાક છે આ વેરિયન્ટ…..
ચીનમાં વધી રહેલા કોરોનાના કેસના લીધે સમગ્ર વિશ્વ ચિંતામાં મુકાઈ ગયું છે. કોરોનાના વધતા કેસને કારણે ફરીથી ચીનમાં સમગ્ર વ્યવસ્થા પડી ભાંગી છે. દરેક નવા વેરિયન્ટે જૂના વેરિયન્ટને પાછળ છોડી દીધેલ છે. ચીનની આવી કપરી પરિસ્થિતિ પાછળ કોરોનાનું નવું વેરિયન્ટ BF. 7 જવાબદાર હોવાનું નિષ્ણાતો દ્વારા કહેવામાં આવ્યું છે. BF.7 વેરિયન્ટની વાત કરીએ તો વૈજ્ઞાનિક નામ BA.5.2.1.7 રહેલું છે.
BF.7 ઓમિક્રોનની વાત કરીએ તો તે એક સબ-વેરિયન્ટ રહેલ છે. કોઈ વ્યક્તિ તેની ઝપેટમાં આવે તો ઝડપથી લક્ષણો જોવા મળે છે. બાકીના વેરિયન્ટની સરખામણીમાં આ ખૂબ ઝડપથી ફેલાય છે. થોડા સમય પહેલા કોરોનાનું ડેલ્ટા વેરિયન્ટ પણ આવ્યું હતું. ડેલ્ટા વેરિયન્ટથી જો એક વ્યક્તિ સંક્રમિત થાય તો અન્ય 5 થી 6 લોકોને તેનો ચેપ લાગતો હતો, પરંતુ BF.7 વેરિયન્ટની સંક્રમણ ક્ષમતા ઘણી વધુ રહેલી છે. એક અધ્યયન અનુસાર, BF.7 વેરિયન્ટની વાત કરીએ તો તેનાથી સંક્રમિત થયેલ દર્દી 10 થી 18 લોકોને સંક્રમિત કરે છે.
સપ્ટેમ્બર મહિનામાં અમેરિકાથી વડોદરા આવેલા વૃદ્ધાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ જોવા મળ્યો હતો. આ રિપોર્ટ ગાંધીનગર ખાતે જીનોમ સિક્વન્સિંગ માટે મોકલી દેવામાં આવ્યો હતો. તેનો રિઝલ્ટ BF.7 વેરિયન્ટ સામે આવ્યું હતું. જે-તે સમય પર ગાઈડલાઇન્સ અનુસાર, કુલ 3 લોકોનું કોન્ટેક્ટ ટ્રેસિંગ કરાયું હતું અને આ તમામના રિપોર્ટ નેગેટિવ રહ્યા હતા. નોંધવા જેવી બાબત એ છે કે, આ દર્દીને હોમ આઇસોલેશનમાં જ સારવાર અપાઈ હતી અને તેમને કોઈપણ પ્રકારની મુશ્કેલી પડી નહોતી.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના ઇન્ચાર્જ વડા ડો. ભાવિન સોલંકી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, સોલા વિસ્તારમાં રહેનાર 57 વર્ષીય વ્યક્તિનો નવેમ્બર મહિનામાં કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો, જેના જીનોમ સિક્વન્સ ગાંધીનગર લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. તેમાં ઓમિક્રોન BF.7 વેરિયન્ટ રહેલું હતું. તેમના પરિવારની હાલત સ્થિર રહેલી છે અને દર્દી ઓસ્ટ્રેલિયા પરત પણ ચાલ્યો ગયો છે.
તેની સાથે કેન્દ્ર સરકાર દ્વારા તમામ રાજ્યના આરોગ્ય સચિવને પત્ર લખવામાં આવ્યો છે, જેમાં દક્ષિણ કોરિયા જેવા દેશોમાં સંક્રમણ ફેલાયું છે અને કેસની સંખ્યામાં સતત વધારો પણ થઈ રહ્યો છે, એ બાબતની કેન્દ્ર સરકાર દ્વારા તમામ રાજ્યના આરોગ્યસચિવને પત્ર લખીને જીનોમ સિક્વન્સની બાબતમાં ભાર મૂકવામાં આવ્યો છે. જે રાજ્યમાં જીનોમ સિક્વન્સિંગ ઓછાં કરવામાં આવી રહ્યાં હોય તે રાજ્યોમાં જીનોમ સિક્વન્સિંગની સંખ્યામાં વધારો કરવાની સૂચના કેન્દ્ર સરકાર દ્વારા અપાઈ છે.
દેશના આરોગ્યમંત્રી મનસુખ માંડવિયા દ્વારા બુધવારના એક્સપર્ટ સાથે રિવ્યૂ મીટિંગ કરવામાં આવી હતી. આ સિવાય રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ દ્વારા પણ ગાંધીનગરમાં આરોગ્ય વિભાગના અધિકારીઓને મળીને રાજ્યમાં ઓક્સિજન, દવા, કોવિડ કેર સેન્ટર, રસીકરણ જેવી બાબતોની કામગીરી ચકાસવામાં આવી હતી.