અમદાવાદ શહેરના કુખ્યાત બુટલેગર એવા રાજુભાઇ ઉર્ફે રાજુ ગેંડી રૂપચંદ કૃષ્ણનાણીના બે પુત્રોની કલોલ ખાતે આવેલ આંબેડકર ત્રણ રસ્તા ખાતે થી ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા દબોચી કાઢવામાં આવ્યા છે. બંને ભાઈઓ છેલ્લા બે મહિનાથી એરપોર્ટ તેમજ ડી.સી.બી. પોલીસ મથકમાં નોંધાયેલા મારામારી અને પ્રોહિબિશનના ગુનાઓમાં પોલીસથી ભાગતા ફરતા હતા.
ઉલ્લેખનીય છે કે, ઘણા સમયથી ગુનાઓ આચરીને નાસ્તા ભાગતા આરોપીઓને ઝડપી પાડવા માટે થઈને ગાંધીનગર રેન્જ આઈજી વીરેન્દ્રસિંહ યાદવ તેમજ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમશેટ્ટીની સૂચનાના આધારે એલસીબી પીઆઈ ડી બી વાળાએ જુદી જુદી ટીમો બનાવીને વ્યુહાત્મક જગ્યાઓ પર પોલીસ પેટ્રોલીંગ તેમજ નાકાબંધી કરીને કાર્યવાહી હાથ ધરી હતી. જે અંતર્ગત કલોલ શહેર વિસ્તારના આંબેડકર ત્રણ રસ્તા ખાતે આવેલ એક બ્રીજ પાસે પોલીસ વાહન તપાસ કરી રહી હતી ત્યારે એક શંકાસ્પદ ક્રેટા ગાડીને રોકીને પોલીસે કારમાં બેઠેલા બંને ઇસમોની પૂછપરછ કરી હતી. જેમાં બંને ઈસમોએ પોતાના નામ રવિ રાજુભાઇ કૃષ્ણનાણી વિશાલ ઉર્ફે વિક્કી રાજુભાઇ કૃષ્ણનાણી હોવાનું જણાવ્યું હતું. રાજુ કૃષ્ણનાણીનું નામ સાંભળતા જ LCB એ કારમાં બેઠેલા બંન્ને ભાઈઓની કડકાઈથી પૂછપરછ હાથ ધરતા જાણવા મળ્યું કે આ બંને જણા અમદાવાદ શહેરના કુખ્યાત બુટલેગર રકે રાજુ ગેંડી રૂપચંદ કૃષ્ણનાણીના પુત્રો છે.
નોંધનીય છે કે, એલસીબીએ આ બંને ભાઈનો ગુનાહિત ઈતિહાસ તપાસતા જાણવા મળ્યું કે અમદાવાદ શહેરના એરપોર્ટ તેમજ ડીસીબી પોલીસ મથકમાં તેમના વિરુદ્ધ મારામારી તથા પ્રોહીબીશનના ગુના નોંધાયેલા છે. અને આ બંને ભાઈ છેલ્લા બે મહિનાથી ભાગતા ફરે છે. જેથી એલસીબીએ પોલીસથી ભાગતા ફરતા આ બન્ને ભાઈઓ ની ધરપકડ કરીને આ સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.