GujaratSouth GujaratSurat

ગરમીની સાથે સાથે સુરતના આ કપડાંની વધી ડિમાન્ડ

ગરમીની સિઝનમાં કોટન કપડાંની માંગ વધી જાય છે. પરંતુ સુરતમાં એક એવું ખાસ કાપડ તૈયાર કરાયું છે. જે 100 ટકા પોલિસ્ટર કપડું હોવા છતાં પણ લોકોને કોટન કપડાંની જેમ ગરમીથી રાહત આપી રહ્યું છે. આ કાપડ એન્ટી બેક્ટેરિયલ હોવાના લીધે તે કોટનની જેમ ચામડીને નુકસાન પણ પહોંચાડતું નથી. સૌથી મહત્વની વાત એ છે કે ગમે તેવી ભીષણ ગરમીમાં પણ આ કપડું વ્યક્તિના બોડી ટેમ્પરેચરને યથાવત રાખે છે.

ઉલ્લેખનીય છે કે, સુરત શહેર તેના કાપડ ઉદ્યોગને કારણે વિશ્વભરમાં સાડીઓ માટે જાણીતું છે. પરંતુ હવે સુરત શહેર ખાસ પોલિસ્ટર હબ બનવા જઈ રહ્યું છે. કોટનની જેટલી માંગ છે તેના પ્રમાણમાં કાપડની અછત છે. ત્યારે સુરત શહેરમાં એક ખાસ કાપડ તૈયાર કરાયું છે. આ કાપડ પોલિસ્ટર હોવા છતાં પણ વ્યક્તિને ગરમીથી રાહત આપે છે અને તેના બોડી ટેમ્પરેચરને ગમે તેવી ગરમીમાં પણ યથાવત રાખે છે. એટલું જ નહીં આ કાપડ એન્ટી બેકટેરિયલ પણ છે. જેના કારણે જે દેશોમાં ગરમી વધારે પડે છે ત્યાં આ કાપડની હાલ ડિમાન્ડ વધવા લાગી છે.

આ કાપડના એક લિમિટેડ પ્રોડક્શન થવાના કારણે પોલિસ્ટરનું ટ્રેડમાર્ક સતત વધી રહ્યું છે તેમજ સરકાર પણ મેન મેડ ફાઇબરને પ્રોત્સાહન આપી રહી છે. જેના કારણે બીજા દેશોમાં પણ આ કાપડ મોકલવામાં સરળતા રહે છે. સુરત શહેર આ કાપડના હબ તરીકે ડેવલપ થઈ રહ્યું છે. આ કાપડને લઈ અગાઉ ચાઇના ડોમિનેટ કરી રહ્યું હતું. હાલ બાંગ્લાદેશથી ખૂબ મોટી સંખ્યામાં આ કાપડની ડિમાન્ડ આવી રહી છે. બાંગ્લાદેશની ઘણી બધી કંપનીઓ આ કાપડ માટે અત્યારસુધી ઘણી વખત સુરત આવી ચૂકી છે. આ સાથે દુબઈની મંડીના વેપારીઓ પણ હવે સુરતના આ કાપડમાં રૂચી બતાવી રહ્યા છે.

આ અંગે વેપારી વિષ્ણુ અગ્રવાલે જણાવ્યું હતું કે, પોલિસ્ટર કાપડની અંદર કેમિકલનું કોટિંગ કરવામાં આવે છે. આ કેમિકલનું નામ હીઝારેલ છે. જેનો ઉપયોગ હાલ બધાજ સ્પોર્ટ્સ વેરમાં કરવામાં આવી રહ્યો છે. સામાન્ય રીતે જોવા જઈએ તો શરીરનું તાપમાન 95-98 સુધી હોય છે. જો બહારનું તાપમાન 100 હશે તો આ કાપડ માણસના બોડી ટેમ્પરેચરને મેઇન્ટેઇન કરીને રાખશે અને ગરમીને અંદર જવા દેશે નહીં. બોડી ટેમ્પરેચર મેઇન્ટેઇન રહેવાથી લોકો પણ કમ્ફર્ટ રહેશે. આ કાપડના કારણે સુરત શહેર વધુ વિકસિત થશે.