અંબાજીમાં પરંપરા બદલાઈ: મોહનથાળ ને બદલે ચીક્કીનો પ્રસાદ વહેંચવાથી ભક્તો નારાજ, હિન્દુ સંગઠનોએ પણ આપ્યું અલ્ટીમેટમ
ગુજરાતના બનાસકાંઠા સ્થિત વિશ્વ પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજીમાં મોહનથાળ ના પ્રસાદને બંધ કરવા સામે વિરોધ વધી રહ્યો છે. શનિવારે સવારે મંદિરે પહોંચેલા ભક્તોએ મંદિર પરિસરમાં નારાજગી વ્યક્ત કરી હતી. ભક્તોનું કહેવું છે કે મંદિરમાં વર્ષોથી મોહનથાળ પ્રસાદની પરંપરા ચાલતી આવે છે. તેના બદલે ચિક્કીના પ્રસાદનું વિતરણ તદ્દન ખોટું છે. સાથે જ હિન્દુ સંગઠનોએ પણ ટ્રસ્ટને 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે.
અંબાજીમાં દર્શન માટે આવતા શ્રદ્ધાળુઓ દ્વારા પણ અપીલ કરવામાં આવી રહી છે કે મોહનથાળનો પ્રસાદ બંધ ન કરવામાં આવે. કારણ કે, અહીં આવનારા લાખો ભક્તો આ પ્રસાદ ઘરે લઈ જાય છે. આ પ્રસાદ બંધ થવાના કારણે દૂરદૂરથી આવતા ભક્તોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.
મોહનથાળના પ્રસાદને બંધ કરવાના નિર્ણય પર હિન્દુ સંગઠનોએ મંદિર ટ્રસ્ટને 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે. સાથે જ ટ્રસ્ટના આ નિર્ણયને કારણે મંદિરમાં દરરોજ મોહનથાળનો પ્રસાદ તૈયાર કરતા 100થી વધુ કર્મચારીઓ બેરોજગાર થઈ ગયા છે. સોશિયલ મીડિયામાં પણ મંદિર ટ્રસ્ટ અને સરકાર વિરુદ્ધ ઘણી ટિપ્પણીઓ થઈ રહી છે.