ગાંધીનગરમાં બાળકી પર દુષ્કર્મ કરનારને છેલ્લા શ્વાસ સુધીની સજા

ગાંધીનગરના સેક્ટર-24 સ્થિત ઇન્દિરાનગર છાપરા વિસ્તારમાં ચાર વર્ષની બાળકી સાથે થયેલા દુષ્કર્મના કેસમાં સ્પેશિયલ પોક્સો કોર્ટે ઝડપી કાર્યવાહી કરીને માત્ર પાંચ મહિના અને દસ દિવસમાં મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે આરોપી રામનીત દેવનંદન રામરૂપ યાદવને દોષિત ઠેરવી તેના જીવનના અંતિમ શ્વાસ સુધી આજીવન કારાવાસની સજા ફટકારી છે. સાથે જ પીડિત બાળકી માટે 10 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ પણ કર્યો છે.
કેસની વિગતો મુજબ, 15 ડિસેમ્બર 2025ની રાત્રે આરોપીએ બાળકીના ઘરની અગાઉથી રેકી કરી હતી. બાદમાં તે ઘરમાં ઘૂસ્યો અને સૂતેલી ચાર વર્ષની બાળકીનું અપહરણ કરીને નજીકની ઝાડીઓમાં લઈ ગયો હતો. ત્યાં તેણે બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું. ઘટનાના અંતે બાળકીનું મૃત્યુ થઈ ગયું હોવાનું માનીને આરોપી તેને ત્યાં જ છોડી ફરાર થઈ ગયો હતો.
જોકે, થોડા સમય બાદ આરોપી ફરીથી સ્થળ પર પહોંચ્યો હતો અને બાળકી જીવતી છે કે નહીં તેની ખાતરી કરવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન બાળકી ભાનમાં આવતા હિંમતપૂર્વક પોતાના પરિવાર સુધી પહોંચી હતી અને સમગ્ર ઘટનાની જાણ કરી હતી. જેના આધારે પોલીસ તપાસ શરૂ કરી આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.
કોર્ટમાં રજૂ કરાયેલા પુરાવા અને સાક્ષીઓના આધારે આરોપીને દોષિત જાહેર કરવામાં આવ્યો હતો. કોર્ટે પોતાના ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે આરોપી જીવનભર જેલમાં રહેશે અને તેના મૃત્યુ બાદ જ મૃતદેહ પરિવારને સોંપવામાં આવશે.
જિલ્લા સરકારી વકીલ સુનિલ પંડ્યાએ જણાવ્યું હતું કે આ કેસ ગાંધીનગરની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલી રહ્યો હતો. સરકારી પક્ષ દ્વારા રજૂ કરાયેલા મજબૂત પુરાવા અને અસરકારક દલીલોના આધારે કોર્ટે આરોપીને કડક સજા ફટકારી છે. તેમણે જણાવ્યું કે આ પ્રકારના ગંભીર ગુનામાં ઝડપથી ન્યાય મળવો સમાજ માટે મહત્વપૂર્ણ સંદેશ છે.