કેરળમાં વિધિવત રીતે ચોમાસું બેસી ગયું છે. એવામાં હવે ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી ક્યારે થશે તેને લઈને સવાલ છે. એવામાં હાલમાં ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડાનો ખતરો જોવા મળી રહ્યો છે. વાવાઝોડાની ગુજરાતમાં એન્ટ્રી થતા ચોમાસુ જેવો માહોલ ઉભો થયો છે. એવામાં દરેકના મનમાં એક જ સવાલ છે કે આ વખતે ગુજરાતમાં ચોમાસું કેવી રહેશે. તો આ બાબતમાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે.
અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, 17 તારીખથી ગુજરાતમાં ચોમાસાની વિધિવત રીતે એન્ટ્રી થશે. ચક્રવાત અને ચોમાસાનો વરસાદ ભેગો જોવા મળશે. મૃગશીર્ષ નક્ષત્ર અને આદ્રા નક્ષત્ર વચ્ચે આઠ દિવસ વરસાદ વરસશે નહીં. મૃગશીર્ષ નક્ષત્રનો વરસાદ સારો થશે પરંતુ જીવજંતુનો ઉપદ્રવ વધુ જોવા મળશે. 21 તારીખના મૃગશીર્ષ નક્ષત્ર પૂર્ણ થશે અને આદ્રા નક્ષત્રની શરૂઆત થશે.
અંબાલાલ પટેલ દ્વારા બિપરજોય વાવાઝોડાને લઈને જણાવવામાં આવ્યું છે કે, વાવાઝોડું ફંટાશે પરંતુ ગુજરાતમાં વિજળીના કડાકા સાથે વરસાદ વરસશે. રાજ્યના દરિયાકાંઠે ભારે પવન જોવા મળશે. ગુજરાતના દરિયા કિનારે ભારે પવન ફુંકાવાની શરૂઆત શરૂઆત થઈ દરિયો તોફાની બનશે. તેના લીધે ઉચા મોજા ઉછળશે. પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારે ભારે વરસાદ જોવા મળશે.
અંબાલાલ પટેલ દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું છે કે, બિપરજોય ચક્રવાતની અસર ગુજરાતમાં 13 તારીખ સુધી જોવા મળશે. માત્ર દરિયા કિનારે જ નહિ પરંતુ મધ્ય અને ઉત્તર ગુજરાતના અંદરના ભાગમાં પણ ભારે પવન સાથે વરસાદી માહોલ જોવા મળશે. ઉલ્લેખનીય છે કે, આ વર્ષે ઋતુચક્રમાં ફેરફાર જોવા મળ્યો છે. ઉનાળામાં અનેક જગ્યાએ માવઠું પણ જોવા મળ્યું છે. ચક્રવાતની પણ અસર જોવા મળશે. દર વર્ષે કેરળમાં ચોમાસું બેસે તેના લગભગ 15 દિવસ બાદ ગુજરાતમાં ચોમાસું બેસતું હોય છે. એટલે જો કેરળમાં ચોમાસું મોડું પડે તો ગુજરાતમાં પણ તેની અસર દેખાશે.