દાહોદની રામપુરા શાળામાં ગેટ તૂટી પડતાં આઠ વર્ષની બાળકીનું કરૂણ મોત, આચાર્યને સસ્પેન્ડ કરાયા
દાહોદમાં સ્કૂલની મોટી બેદરકારી સામે આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ, સ્કૂલનો દરવાજો પડતા બાળકીનું મોત નિપજ્યું હોવાની ઘટના સામે આવી છે. દાહોદની રામપુરા શાળાનો બહારનો દરવાજો પડતા ઇજાગ્રસ્ત બાળકીને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી, પરંતુ ત્યાં ટૂંકી સારવાર દરમિયાન બાળકીનું કરૂણ મોત નીપજ્યું હતું. ઘટનાને લીધે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગયો છે જ્યારે બેદરકારી બદલ આચાર્યને હાલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જ્યારે આ મામલામાં પોલીસ દ્વારા ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે, દાહોદનો શાળાનો બહારનો દરવાજો તૂટી પડતા એક બાળકીને ગંભીર ઇજા પહોંચી હતી. ત્યાર બાદ તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવી હતી. જ્યાં ટૂંકી સારવાર બાદ આઠ વર્ષીય બાળકીનું મોત નિપજ્યું હતું. અચાનક જ દરવાજો તૂટી પડતા બાળકીને માથાના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી. બાળકીને સારવાર માટે અમદાવાદ લાવવામાં આવી હતી જ્યાં સારવાર દરમિયાન બાળકીનું મૃત્યુ નીપજ્યું હતું.
આ ઘટનાના લીધે શાળા સામે રોષ દેખાઈ રહ્યો છે, જ્યારે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. તાલુકા પોલીસ દ્વારા અકસ્માતે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. બીજી તરફ બેદરકારી બદલ આચાર્યને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. શાળાની બેદરકારીના લીધે એક બાળકીને જીવ ગુમાવવાનો વારો છે. શાળામાં અનેક બાળકો અભ્યાસ માટે આવે છે, ત્યારે શાળા દ્વારા આવી બેદરકારી કેમ સેવાઇ રહી છે, તે બાબતમાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.