સુરેન્દ્રનગરમાં વધુ એક હત્યાનો બનાવ, તલવારથી હુમલો કરીને 19 વર્ષીય યુવકની કરાઈ હત્યા
રાજ્યમાં સતત ક્રાઈમની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. જ્યારે ગુનેગારોને કોઈનો પણ ભય ના હોય તેમ ગુનાઓ આચરી રહ્યા છે. આવી જ એક બાબત સુરેન્દ્રનગર પાટડીના વડગામમાંથી સામે આવી છે. જેમાં 19 વર્ષીય યુવકની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી નાખવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. આ મામલામાં દસાડા પોલીસ દ્વારા હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ શરુ કરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ, સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકામાં આવેલા વડગામમાં રહેનાર અને છૂટક મજૂરી કરીને જીવન પસાર કરનાર લક્ષ્મણભાઈ ઠાકોરના પુત્ર રાહુલ પર ગાડીમાં આવેલા લોકો દ્વારા તલવાર અને ધારીયા વડે હુમલો કરવામાં આવ્યો હતો. રાહુલ પર હુમલો કર્યા બાદ આ લોકો ગાડીને લઈને ભાગી ગયા હતા.
ત્યાર બાદ બાદ રાહુલને સારવાર અર્થે દસાડાની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. ત્યાંથી વધુ સારવાર માટે વિરમગામ લાવવામાં આવ્યો હતો. જ્યારે ત્યાં ફરજ પર રહેલા તબીબો દ્વારા રાહુલને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.
ઘટનાની જાણકારી મળતા દસાડા પોલીસની ટીમ હોસ્પિટલ ખાતે પહોંચી આવી અને પોલીસ દ્વારા હત્યાનો ગુનો દાખલ કરી હત્યારાઓને પકડવા માટે તપાસ હાથ ધરી છે. જયારે આ ઘટનામાં એક જૂની અદાવતમાં યુવકનું ખૂન કરવામાં આવ્યું છે કે કયા પછી બીજું કાઈ છે તેને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે.