સુરતમાં વધુ એક નબીરાએ સર્જ્યો અકસ્માત, બાઈકને ટક્કર મારીને બાઈક ચાલકને રસ્તા પર ઢસેડયો, સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ
સુરત શહેરમાં અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે સુરતમાં વધુ એક અકસ્માત સામે આવ્યો છે. જ્યાં એક નબીરાએ પુરપાટ સ્પીડમાં કાર ચલાવીને બાઇક ચાલકને ટક્કર મારીને અડફેટે લેતા બાઇક કારની પાછળ ઢસડાઈ હતી. અને બાઇક ચાલક પણ જોડે જોડે ઢસડાયો હતો. ત્યારે આ સમગ્ર ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક અસરથી ઘટનાસ્થળ પર પહોંચી હતી. સદનસીબે બાઇક ચાલકનો જીવ આ અકસ્માતમાં બચી ગયો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, સુરત શહેરના ડીંડોલી વિસ્તારના શુભ વાટિકા ખાતેથી રાત્રે 8 વાગ્યે એક યુવક બાઇક પર સવાર થઈને પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન કારમાં સવાર થઈને પુરપાટ ઝડપે આવી રહેલ એક કારચાલકે પાછળથી આવીને આ બાઇક પર સવાર યુવકને પાછળથી ટક્કર મારી હતી. બાઈકને પાછળથી કારની ટક્કર વાગ્યા બાદ બાઇક કારની પાછળ નીચેની બાજુએ ફસાઈ જવાથી યુવક અને બાઇક બંને કાર સાથે ઢસેડાયા હતા. ત્યાં આસપાસ રહેલા લોકોએ કારચાલકને કાર રોકવા માટે બુમો પાડી હાથ બતાવ્યો તેમ છતાં પણ નબીરાએ કાર ઉભી રાખી ન હતી. બાદમાં કાર ચાલક ત્યાંથી ફરાર થઇ ગયો હતો. આ સમગ્ર ઘટના ત્યાં આસપાસના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
નોંધનીય છે કે, આ ઘટનાને પગલે પોલીસ તાત્કાલિક અસરથી ઘટનાસ્થળ પર પહોંચી હતી. ત્યારે આ સમગ્ર ઘટનાને લઈને હાલ તો આસપાસના લોકોમાં ટક્કર મારનાર કારચાલક ઉપર ખૂબ જ રોષ દેખાઈ રહ્યો છે.