GujaratSaurashtra

બગોદરા હાઇવે પર થયેલા અકસ્માતમાં વધુ એક મહિલાનું સારવાર દરમિયાન મોત નિપજતા મૃત્યુઆંક 12 એ પહોંચ્યો

ખેડા જિલ્લાના કપડવંજ અને બાલાસિનોરના પરિવારના 23 જેટલા સભ્યો મીની ટેમ્પોમાં સવાર થઈને ચોટીલા ગયો હતો. ત્યારે ત્યાંથી પરત આવતા સમયે રસ્તા પર ઊભી રહેલી ટ્રક પાછળ મીની ટેમ્પો અથડાઇ જતાં 5 જેટલી મહિલા, 3 બાળકો તેમજ ડ્રાઈવર સહિત કુલ 11 લોકોનાં મોત નીપજ્યાં હતા. જ્યારે આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા બાકીના લોકોને અમદાવાદ ની સોલા અને અસારવા સિવિલ હોસ્પિટલમા સારવાર માટે દાખલ કર્યા હતા. જેમાંથી સોલા સિવિલમાં સારવાર લઇ રહેલી એક મહિલાનું ગત રોજ મોત નિપજતા હવે આ અકસ્માતમાં કુલ 12 લોકો મૃત્યુ પામ્યા છે. આ અકસ્માતમાં ફરાર ટ્રક ચાલક વિરુદ્ધ પંચર પછી ટ્રક પાસે કોઇ આડશ, રિફલેટર સાઇન બોર્ડ ન મુકવા બાબતે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, શુક્રવારે સવારના સમયે બગોદરા નજીક મીઠાપુર પાસે પંચર થયેલી બંધ પડેલી ટ્રક પાછળ એક માલવાહક કેરી અચાનક ઘુસી જતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં કપડવંજ તાલુકા ખાતે આવેલા સુણદા નામના ગામના એક જ પરિવારના 10 લોકો તેમજ કેરી ચાલકનું ઘટનાસ્થળ પર જ મોત નીપજ્યું હતું. જ્યારે બાકીનાં 12 જેટલા લોકોને આ અકસ્માતમાં ઇજાઓ પહોંચી હતી. જેમાંથી 9 લોકોને તાત્કાલિક અસરથી અમદાવાદ શહેરની અસારવા તેમજ સોલા સીવીલમાં સારવાર તાત્કાલિક અસરથી માટે એડમિટ કરવામાં આવ્યા હતાં. ત્યારે ગતરોજ સોલા સીવીલ હોસ્પીટલમાં સારવાર લઇ રહેલા 45 વર્ષીય આરતીબેન જેસંગભાઈ સોલંકી નું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

બગોદરા પી.એસ.આઈ.જી.કે.ચાવડાએ આ સમગ્ર મામલે જણાવ્યું હતું કે,  એફ.એસ.એલ. અને આર.ટી.ઓ.ની ટીમે અકસ્માતનું કારણ જાણવા માટે સ્થળ ઉપર પહોંચીને તપાસ કરી છે. જેનો રીપોર્ટ આવવાનો હજુ બાકી છે. તેમણે વધુમાં જણાવ્યું કે આ અકસ્માતમાં હાઇવેની સાઈડમાં ઉભી રહેલી પંચરવાળી ટ્રકના ડ્રાઇવરે કોઈ સાઈન બોર્ડ મૂક્યું ન હતું તો બીજી બાજુ માલવાહક કેરીમાં પેસેન્જર ભરી આ રીતે જવું તે આ લોકોની પણ બેદરકારી જ હતી.  હાલ તો પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.