GujaratSouth GujaratSurat

સુરતમાં વધુ એક યુવકની હત્યા, મિત્રો સાથે ચા પીવા ગયો અને મોતને ભેટ્યો

રાજ્યમાં સતત ક્રાઈમની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. જ્યારે આવી જે એક ઘટના સુરતના પાંડેસરાથી સામે આવી છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં ચપ્પુના ઘા મારી એક યુવકની હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. તેની સાથે તેમના સાથી રહેલ મિત્રને પણ ચપ્પુના ઘા મારવામાં આવતા તેની પણ હાલત ગંભીર રહેલી છે. મહત્વની વાત એ છે કે, મૃતક યુવાન અને તેનો મિત્ર રાત્રિના સમયગાળા દરમિયાન ચા પીવા માટે ગયેલા હતા. તે દરમિયાન ઝઘડો થતા તે ઘરે પરત આવી રહ્યા હતા તે સમયે તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં સારવાર દરમિયાન એક યુવકનું મોત નીપજ્યું જ્યારે બીજા યુવકની હાલત ગંભીર રહેલ છે.

પ્રાપ્ત માહિતી મુજબ, સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલ પ્રિયંકા ચોકડી નજીક 23 વર્ષીય સનાતન ઉર્ફે રાજ અભિમન્યુ નામના યુવકની હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. જેમાં રાત્રીના સમયગાળા દરમિયાન ચાની દુકાન ચલાવનાર યુવક મિત્રો સાથે ચા પીવા માટે ગયેલો હતો. જ્યા ચાની લારી પાસે ઝઘડો થતો હોવાના લીધે આ દ્રશ્યો જોઈને ઘરે પરત આવી રહ્યા હતા. તે સમયે બે બાઇક ચાલકો દ્વારા પીછો કરવામાં આવ્યો અને યુવાનના બાઇકને ટક્કર મારી રસ્તા પટકાવામાં આવ્યો હતો. ત્યાર બાદ અજાણ્યાં લોકો દ્વારા રાજ સહીત બે મિત્રોને ચપ્પુના ઘા મારવામાં આવ્યા હતા. જેમાં રાજનું સારવાર દરમિયાન કરૂણ મોત નીપજ્યું હતું જ્યારે એકની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે. તેમ છતાં હુમલાખોરને જોઈ અન્ય એક મિત્ર નાસી જતા તેનો બચાવ થઈ ગયો હતો.

તમને જણાવી દઈએ કે, આરોપીઓ દ્વારા રાજને છરાના ઘા મારવામાં આવતા હતા. જયારે તેની સાથે રહેલ અન્ય મિત્ર પર પણ આ હુમલાખોરો દ્વારા છરા વડે હુમલો કરવામાં આવ્યો હતો. તેના લીધે બન્નેને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. જ્યારે ઘટનાની જાણકારી મળતા યુવાનના પરિવારજનો સિવિલ હોસ્પિટલ આવી ગયા હતા. તેમ છતાં દીકરાનું મોત થતા પરિવારજનોમાં શોકનું મોંજુ ફરી વળ્યું હતું. હાલમાં આ મામલામાં પાંડેસરા પોલીસ દ્વારા વધુ તપાસ શરુ કરવામાં આવી છે.