સુરતમાં જાહેરમાં કરાઈ વધુ એક યુવકની હત્યા, તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી મોતને ઘાટ ઉતારાયો
રાજ્યમાં સતત ક્રાઈમની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. જાણે ગુનેગારોને કોઈનો પણ ભય ના હોય તેમ ગુનાઓ આચરી રહ્યા છે. જ્યારે આજે આવા જ સમાચાર સુરત શહેરથી સામે આવ્યા છે. સુરતના ઉધના વિસ્તારમાં એક યુવકને ઘેરીને મોતને ઘાટ ઉતારી નાખવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી યુવકના હાથ-પગ ને કાપી નાખતા રસ્તા પર લોહીના ખાબોચિયા ભરાઈ ગયા હતા. જ્યારે યુવકના મૃત્યુ લીધે પરિવારજનો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.
જાણકારી મુજબ, સુરતના ઉધના વિસ્તારમાં આવેલા લક્ષ્મીનારાયણ મંદિર પાસે આ હત્યાની ઘટના ઘટી હતી. મૃતક યુવકની વાત કરીએ તો ભજનસિંગ શેખલકર નામનો વ્યક્તિ પોતાની બહેનને મળવા માટે આવેલ હતો. તે સમયે અંગત અદાવતમાં ભાવસિંગ સહિતના બે વાહનોમાં આવેલા લોકો દ્વારા તેને ઘેરી લઈને તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી ને હાથ-પગ અલગ કરી નાખવામાં આવ્યા હતા. તેના લીધે યુવકનું ઘટના સ્થળ પર જ મૃત્યુ નીપજ્યું હતું.
આ ઘટનાને લઈને મૃતક ભજન સિંગના નાનાભાઈ અર્જુન સિંગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, મારા મોટા ભાઈને દગાથી મોતને ઘાટ ઉતારવામાં આવ્યો છે. ભાઉ ની ગેંગ દ્વારા આ હત્યા કરવામાં આવેલ છે. મારા ભાઈની આગળ બોલેરો અને પાછળ પણ વાહનો રાખીને ભાવસિંગ, સોનુ સિંગ, ડિંડોલીના ગોપાલ સહિતના લોકો દ્વારા ઘેરી લેવામાં આવ્યો હતો. ત્યાર બાદ તેને મોતને ઘાટ ઉતારી દીધી હતો. ભાઉ દ્વારા પોતાના ઘરમાં માણસો રાખવામાં આવે છે. દારૂ, ભૂંડ સહિતની ગેરકાયદેસર પ્રવૃતિ કરતો હોવાનો આક્ષેપ તેણે કર્યો હતો.
આ મામલામાં પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, દોઢેક મહિના અગાઉ મૃતક ભજનસિંગ મહારાષ્ટ્ર ના પુણે ગયેલો હતો. તે સમયે કોઈ બાબતમાં ઝઘડો થયો હતો. જેમાં કિરપાણ જેવા હથિયારથી ઈજા પહોંચાડવામાં આવી હતી. આ વાતની અદાવત રાખીને હુમલાખોર દ્વારા સમગ્ર પ્લાન ઘડવામાં આવ્યો હોવાનું લાગી રહ્યું છે. મહારાષ્ટ્ર ની અંગત અદાવતમાં આ હત્યા કરવામાં આવી હોવાનું પ્રાથમિક તપાસ સામે આવતા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.