GujaratAhmedabad

પહેલા વૃક્ષો વાવો પછી કાપો, અમદાવાદમાં વિકાસના નામે આડેધડ 400 જેટલા વૃક્ષોનો ખાત્મો

સરકાર દ્વારા દરેક રાજ્યોમાં વૃક્ષો બચાવો અને વૃક્ષો વૃક્ષારોપણનું અભિયાન ચલાવવામાં આવે છે. અને આ માટે સરકાર દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. પરંતુ ત્યારબાદ શહેરમાં વિકાસ નામે પછી આ જ વૃક્ષોને આડેધડ કાપી નાખવામાં આવે છે.

જો કે આજથી 10 વર્ષ પહેલા અમદાવાદ શહેરમાં આવેલ સાયન્સ સિટી રોડ પર વૃક્ષો વાવવામાં આવ્યા હતા જે આજે પૂર્ણ રીતે મોટા વૃક્ષ બની ગયા છે. પરંતુ હવે આ જગ્યાએ અમદાવાદ મ્યુન્સિપલ દ્વારા અહીં બી.આર.ટી.એસ દોડવાનો પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. ત્યારે હવે અહીં 400 થી વધુ વૃક્ષોને BRTS ટ્રેકના કારણે કાપી નાખવામાં આવશે.

ભારત સરકારના પર્યાવરણ મંત્રાલય દ્વારા અપાયેલી માહિતી અનુસાર સરકારે ‘વિકાસ’ના નામે પાછલાં પાંચ વર્ષોમાં સમગ્ર દેશમાં 1,09,75,844 વૃક્ષો કાપવાની પરવાનગી આપી છે. અમદાવાદમાં હરીયાળી વિસ્તાર ગણાતા સાયન્સ સિટીના મુખ્ય માર્ગને હવે સી.જી.રોડ જેવો રસ્તો બનાવવામાં આવી રહ્યો છે. જેના કારણે હવે આજે આ વૃક્ષોને કાપી નાખવાની પરિસ્થિતિ ઉભી થઇ છે.

જો કે આજથી 10 વર્ષ પહેલા અહીં સિંગલ પટ્ટી રસ્તો હતો. ત્યારબાદ અહીં રસ્તા પહોળા કરવામાં આવ્યા હતા અને તેની આજુબાજુ મોટા પ્રમાણમાં વૃક્ષો વાવવામાં આવ્યા હતા. જેમાં અહીં સપ્તપર્ણી, બે મોટા વડ, ટેબેબ્યુઇયા રોઝિયા, અનેક લીમડાના વૃક્ષો, અસંખ્ય ગુલમહોર, અને અસંખ્ય બોગનવેલ વાવવામાં આવ્યા હતા.

આ ઉપરાંત આ રસ્તા પર વડાપ્રધાન અને મંત્રીઓની અવરજવરને કારણે આ વૃક્ષોની માવજત પણ સારી રીતે કરવામાં આવી હતી. પરંતુ હવે વિકાસના નામે અહીં 400 થી વધુ વૃક્ષોનો ખાત્મો બોલાવવામાં આવશે. જો કે સરકાર દ્વારા આ રોડને ત્રીસ કરોડના ખર્ચે વિકિસત કરવામાં આવી રહ્યો છે.

અહીંના સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર હાલમાં જે મુખ્ય માર્ગ તૈયાર કરવાનું કામ ચાલે છે તે જેવું પૂર્ણ થઈ જશે કે આ વૃક્ષો BRTS ના ટ્રેક માટે કાપી દેવામાં આવશે. જો કે આ 400 થી વધુ વિશાળ વૃક્ષોને કાપતાં જ અહીંનું એક મોટું ગ્રીન કવર જતું રહેશે. આ ઉપરાંત અહીંના સ્થાનિક લોકોનું કહેવું છે કે સરકારના પ્લાનમાં પહેલેથી આ વિસ્તારમાં BRTS ટ્રક બનાવવાનું આયોજન હતું તો અહીં આટલા બધા વૃક્ષો કેમ વાવવામાં આવ્યા હતા અને હવે તેને કાપી નાખવામાં આવી રહ્યા છે.