ઘણા ઘરોમાં પરણિત મહિલાઓને તેના સાસરિયાઓ અને પતિ દ્વારા ખૂબ જ ત્રાસ આપવામાં આવતો હોય છે. તેવામાં અમદાવાદમાં એક એવો કિસ્સો સામે આવ્યો જ્યાં પરિણીતાને તેના સસરિયાઓ અને પતિ તેના પર સતત ત્રાસ કરી રહ્યા હતા અને પરિણીતાનો પતિ તેને કહે છે કે હું બીજી સ્ત્રીને પ્રેમ કરું છું માટે તને ટચ કરતો નથી.
મળતી માહિતી અનુસાર, અમદાવાદ શહેરના ચાંદખેડા વિસ્તારમાં વસવાટ કરતી એક પરિણીતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પરિણીતાએ ફરિયાદમાં લખાવ્યું છે કે, તેનો પતિ લગ્નના બે-ત્રણ મહિના પછી તેનાથી અલગ રહેવા લાગ્યો હતો. તેના સાસુ પણ તેને અવારનવાર હેરાન પરેશાન કરીને માનસિક ત્રાસ આપતાં હતાં. પતિએ પરિણીતાને કહ્યું કે, હું કોઈ બીજી સ્ત્રીને પ્રેમ કરું છું અને મારે તેની સાથે સબંધ છે. માટે જ હું તને ટચ કરતો નથી.મારા તો જબરજસ્તીથી લગ્ન કરાવ્યા છે. જ્યારે પરિણીતાના કાકા સસરા તેમજ કાકી સાસુ પણ ઘરે આવીને પરિણીતાને હેરાન- પરેશાન કરવાના કારનામા પરિણીતાના પતિને શીખવાડતા હતાં. પરિણીતાનો જેઠ પણ અવારનવાર પરિણીતાને ઘરમાંથી બહાર કાઢી મુકવા માટે કહેતો હતો. જોકે, સાસરિયાના સતત માનસિક ત્રાસને કારણે પરિણીતાને બ્લડ પ્રેશરની તકલીફ થઇ જતાં તેના સાસરીયાઓ કહેતા કે, અહીંયા તને કોઇ દવા મળશે નહીં, તારે જો દવા કરાવી હોય તો તું તારા મા-બાપને ઘરે જા અને ત્યાં જઈને દવા કરાવી લે. અને કહેતા કે તેમને લગ્નમાં તો કંઇ આપ્યું નથી માટે દહેજ પેટે 1 લાખ રૂપિયા પણ લઇ આવ તો અમે તને સારી રીતે રાખીશું.
વધુમાં પરિણીતાએ જણાવ્યું કે, તેનો અવારનવાર એવું કહેતો કે હું તો તને રાખવા જ માંગતો નથી. મારે તો કોઈ બીજી સ્ત્રી સાથે પ્રેમસંબંધ છે. આ તો મારે પરાણે તારી સાથે લગ્ન કરવા પડ્યા છે. પતિ અવારનવાર પોતાની માને કહેતો કે તું આને વધારે હેરાન અને પરેશાન કર નહિ તો હું આને જાનથી મારીને હત્યા કરી નાખીશ. પરિણીતાના પિતાને પણ તેના સાસરિયાઓ ખોટી રીતે બદનામ કરતાં હતાં. આમ અંતે હારીથાકીને પરિણીતાએ આ સમગ્ર બાબતે પોલીસ ફરિયાદ કરવાનું પગલું ભર્યું છે.
તમને જણાવી દઈએ કે, હાલ તો આ સમગ્ર મામલે પોલીસે પરિણીતાની ફરિયાદ નોંધી લીધી છે. અને આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે.