જૂનાગઢ તોડકાંડના આરોપી સસ્પેન્ડ પીઆઈ તરલ ભટ્ટ પૂછપરછમાં સહકાર ના આપતા ATS એ લીધો આ મોટો નિર્ણય
જૂનાગઢ તોડકાંડ મામલો હાલ ચર્ચાનો વિષય બનેલો છે. તેને લઈને સતત ખુલાસાઓ થઈ રહ્યા છે. જ્યારે આ મામલામાં આરોપી સસ્પેન્ડ પીઆઈ તરલ ભટ્ટ હાલમાં રિમાન્ડ ઉપર રહેલા છે. તેમ છતાં આ કેસમાં તરલ ભટ્ટ તેમજ મંડળીને આરોપી સાબિત કરી શકાય તેવા કોઈ પૂરાવા એટીએસને પ્રાપ્ત થયા નથી. તેની સાથે તરલ ભટ્ટ દ્વારા પેન ડ્રાઈવ, 3 મોબાઈલ ફોન, લેપટોપ સહિતના મહત્વના પૂરાવાનો નાશ કરી દેવામાં આવ્યો છે. તેના લીધે તરલ ભટ્ટને આરોપી સાબિત કરવા માટે એટીએસ પાસે એક જ રસ્તો બાકી રહેલો છે. એટીએસ જૂનાગઢ પોલીસ દ્વારા ફ્રિઝ કરેલા 386 બેંક એકાઉન્ટ ધારકોને બોલાવીને તેમની પૂછપરછ કરી પૂરાવા એકઠા કરવા પડશે.
તમને જણાવી દઈએ કે, તરલ ભટ્ટને કોર્ટમાં રજૂ કરીને એટીએસની ટીમ દ્વારા ચાર દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. આ રિમાન્ડના કારણોમાં એટીએસ દ્વારા કોર્ટને જણાવવામાં આવ્યું હતું કે, જૂનાગઢ પોલીસ દ્વારા ફ્રિઝ કરેલા 386 બેંક એકાઉન્ટ ધારકોમાંથી તરલ ભટ્ટે કોની-કોની પાસેથી પૈસા લીધા હતા તે જાણકારી એકઠી કરવામાં આવશે. આ સિવાય તરલ ભટ્ટ જૂનાગઢ એસઓજીની ઓફિસમાંથી 386 ફ્રિઝ બેંક એકાઉન્ટ ધારકોની જાણકારી પેન ડ્રાઈવમાં પણ લઈ ગયા હતા. ત્યારબાદ તેમના પર્સનલ ત્રણ મોબાઈલ નંબરથી એકાઉન્ટ ધારકોનો સંપર્ક કરીને પૈસાની માંગણી કરવામાં આવી હતી. તેમ છતાં એટીએસને હજુ સુધી તરલ ભટ્ટની પેઈન ડ્રાઈવ, ત્રણ મોબાઈલ ફોન તેમજ લેપટોપ સહિતના એક પણ પૂરાવા પ્રાપ્ત થયા નથી.
તેની સાથે વધુ જાણકારી સામે આવી છે કે, તરલ ભટ્ટ પોતે પોલીસ ઈન્સ્પેકટર હોવાના કારણે કાયદાના જાણકાર હોવાથી પોલીસને તપાસમાં જરા પણ સહકાર આપવામાં આવી રહ્યો નથી. તેમજ પોલીસને ગોળ ગોળ ફેરવીને પોલીસ કસ્ટડીને સમય પૂરો કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. તેના લીધે હવે એટીએસની ટીમ દ્વારા જૂનાગઢ પોલીસ દ્વારા ફ્રિઝ કરવામાં આવેલ 386 બેંક એકાઉન્ટ ધારકોને બોલાવીને તેમની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. તેના માટે એટીએસમાં ખાસ બે ટીમ પણ તૈયાર કરાઈ છે. આ ટીમના સભ્યોએ ખાતેદારોનો સંપર્ક કરવાનું શરૂ કરવામાં આવ્યું છે.