IndiaPolitics

અયોધ્યા કેસનો ચુકાદો ગમે ત્યારે આવી શકે : અયોધ્યામાં લોકોમાં ડરનો માહોલ, ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો

અયોધ્યા રામ મંદિર મુદ્દો વર્ષોથી ચર્ચામાં રહ્યો છે અને હવે તેના પર સુપ્રીમ કોર્ટ કોઈ ચુકાદો સંભળાવે તે પહેલા સ્થિતિ બદલાઈ રહી છે. સુપ્રીમ કોર્ટ આ કેસ પર ગણતરીના દિવસોમાં સુનાવણી કરી શકે છે અને એ પહેલા જ લોકોએ અનેક આશંકાઓ વ્યક્ત કરી છે.સૂત્રોનું માનીએ તો સંભવિત પ્રભાવિત લોકોએ જરુરી સામાન અને ખાવા-પીવાની વસ્તુઓ ભેગી કરવાની શરુ કરી દીધું છે.

બાળકોને સુરક્ષિત સ્થળ પર ખસેડવાની પ્રક્રિયા પણ કરવામાં આવી રહી છે.વહીવટી તંત્ર પણ સુરક્ષામાં કોઈ ખામી ન સર્જાય તે માટે પૂરતું ધ્યાન રાખી રહ્યું છે. ભુતકાળમાં આ મામલે અનેક હિંસાઓમાં કેટલાય લોકો પોતાનો જીવ ગુમાવી ચુક્યા છે ત્યારે કેસની સુનાવણી વખતે કોઈ બનાવ ન બને તે માટે સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

કેટલાક લોકો તો લગ્નની તારીખ અને લગ્ન સ્થળ પણ બદલી રહ્યા હોવાની માહિતી મળી રહી છે.એક ભાઈએ નામ ન આપવાની શરતે એક પ્રસિદ્ધ અખબારને જણાવ્યું કે જો નિર્ણય રામ મંદિરના પક્ષમાં ન આવ્યો તો ચિંતા વધી શકે છે. અમે અમારા પરિવારને અહીંથી અન્ય સ્થળે ન લઈ જઈએ તો શું કરીએ..

જિલ્લા અધિકારી અનુજ કુમાર ઝાએ જણાવ્યું કે અમે હિન્દુ મહંતો અને મુસ્લિમ ઈમામ સાથે બેઠકો કરી છે. તેમણે પણ સહકાર આપવાની વાત કરી છે.અમે મુસલમાનોને આશ્વસ્ત કર્યા છે કે તમામ સંવેદનશીલ વિસ્તારો, જ્યાં મુસ્લિમોની વસ્તી વધુ છે અને મિશ્રિત વસ્તી છે ત્યાં સુરક્ષા આપવામાં આવશે.લોકોએ ડરવાની જરુર નથી.

શિયા ધર્મગુરુ મૌલાના સૈયદ કલ્બે જવ્વાદે મુખ્તાર અબ્બાસ નકવીના ઘરે બેઠકમાં કહ્યું કે સુપ્રીમ કોર્ટ જે પણ ચુકાદો આપે બધાએ સન્માન કરવું જોઈએ. અમે ચુકાદાની સાથે શાંતિ જાળવી રાખવાની અપીલ કરીશું.