તમે બહારની નવી નવી વસ્તુઓ ખાવાના ખૂબ શોખીન છો? તો તમે પણ બહારના ગરમ ગરમ દાળવડા ખાવાની મઝા પણ માણતા જ હશો. તો તમારા માટે અત્યંત ખરાબ સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ શહેરમાં AMC દ્વારા સમગ્ર અમદાવાદમાં ફૂડ વિભાગની તપાસ ચાલી રહી છે. જેમાં નવરંગપુરા વિસ્તારમાં આવેલું પ્રખ્યાત અંબિકા દાળવડા, વાસણા વિસ્તારમાં આવેલ ન્યુ લક્ષ્મી ચવણા માર્ટ તેમજ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલ વસ્ત્રાલની એ.બી નમકીનને એએમસી દ્વારા નોટિસ આપવામાં આવી છે. નવરંગપુરા વિસ્તારમાંમાં આવેલ પ્રખ્યાત અંબિકા દાળવડા સેન્ટરને હાલ સિલ કરવામાં આવ્યુ છે. ફૂડ વિભાગે અમદાવાદમાં કુલ 241 જેટલા એકમોને નોટિસ આપી છે.
ઉલ્લેખનીય છે કે, AMC ના ફૂડ વિભાગ દ્વારા સમગ્ર શહેરમાં હાલ સઘન તપાસ થઇ રહી છે. જેમાં નવરંગપુરા વિસ્તારમાં આવેલ પ્રખ્યાત અંબિકા દાળવડા સેન્ટરને ફૂડ વિભાગે સિલ કરી દીધુ છે. તપાસ દરમિયાન ફૂડ વિભાગને ધ્યાને આવ્યું કે અંબિકા દાળવડા સેન્ટરમાં તેલમાં TPCનું પ્રમાણ ખૂબ વધુ છે. માટે હાલ તો AMC એ અંબિકા દાળવડા સેન્ટરને સિલ કરી દીધું છે. આ સિવાય વાસણા વિસ્તારમાં આવેલ ન્યૂ લક્ષ્મી ચવણા માર્ટનાં સિંગભજીયા તેમજ અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલ વસ્ત્રાલના એ.બી. નમકીનની ઝીણી સેવ પણ ભેળસેળવાળી હોવાની સામે આવતા ફૂડ વિભાગે તેમને નોટિસ આપી હતી. 8 એપ્રિલથી 14 એપ્રિલ દરમિયાન ફૂડ વિભાગ દ્વારા કરવામાં આવેલ તપાસમાં કુલ 2,35,000નો દંડ વસુલવામાં આવ્યો છે તેમજ કુલ 241 જેટલા એકમોને નોટિસ આપવામાં આવી છે.
નોંધનીય છે કે, અમદાવાદ શહેર અને અહીંના લોકો ખાણીપીણી માટે પ્રખ્યાત છે. ત્યારે ખાણી પીણીનો ધંધો કરનારા લોકો ક્યારેક વધુ નફો કમાવવાની લાલચમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા હોય છે. જેને લઈને AMC ના ફૂડ વિભાગ દ્વારા અવારનવાર આ રીતે તપાસ હાથ ધરવામાં આવતી રહેતી હોય છે.