AhmedabadGujarat

ધ ક્રિએટર સર્જનહાર ફિલ્મનો બજરંગ દળે કર્યો વિરોધ, રિલીઝ પર રોક લગાવવા કરી માંગ

ફિલ્મોને લઈને વિવાદો થવા એ જાણે કે સામાન્ય બની ગયા હોય તેવી પરિસ્થિતિ દેશમાં ઉભી થઇ છે. ‘ધ કેરલા સ્ટોરી’ ફિલ્મના વિવાદ પછી હવે ‘ધ ક્રિએટર સર્જનહાર’ ફિલ્મ વિવાદમાં સપડાઈ ગઈ છે. હિન્દુવાદી સંગઠન બજરંગ દળ દ્વારા આ ફિલ્મ પર ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે. ફિલ્મમાં લવજેહાદનો પ્રચાર થતો હોવાનો આરોપ મિકીને બજરંગ દળ સતત આ ફિલ્મનો સતત વિરોધ કરી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, સિનેમાઘરોમાં રિલીઝ થયા પહેલા જ ‘ધ ક્રિએટર સર્જનહાર’ ફિલ્મ વિવાદોનો શિકાર બની ગઈ છે.આ ફિલ્મ 26 મેના રોજ રિલીઝ થવાની છે. અમદાવાદના એક મલ્ટીપ્લેક્સમાં બુધવારના રોજ બજરંગ દળના સભ્યોએ ફિલ્મ ધ ક્રિએટર સર્જનહારનો વિરોધ કર્યો હતો. ફિલ્મની રિલીઝ પર રોક લગાવવામાં આવે તેવી માંગ બજરંગ દળ દ્વારા કરવામાં આવી છે.

નોંધનીય છે કે, ધ ક્રિએટર ફિલ્મના પ્રોડ્યુસરે રાજેશ કરાટેએ ફિલ્મના થઈ રહેલા વિરોધ મુદ્દે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, ફિલ્મમાં અમે ટ્રાન્સફોર્મેશન બતાવવા માટેનો પ્રયત્ન કર્યો છે. કોઈપણ પ્રકારની ધમકીઓથી મને ડર લાગતો નથી.  સૌને મારી અપીલ છે કે ધર્મના નામે હિંસા કરશો નહિ.

તમને જણાવી દઈએ કે, રાજુ પટેલ અને રાજેશ કરાટેના બેનર હેઠળ ધ ક્રિએટર સર્જનહાર’ ફિલ્મ બની છે. પ્રવીણ હિંગોનિયાએ આ ફિલ્મને લખી છે  તેમજ ફિલ્મ નિર્દેશિત કરી છે. દેશભરના સિનેમાઘરોમાં 26 મેના રોજ આ ફિલ્મ રિલીઝ થશે.