અંધશ્રદ્ધામાં માનતા પરિવારે ના કરવાનું કર્યું

કેટલાક લોકો અંધશ્રદ્ધામાં એ હદે માનતા હોય છે કે ઘણી વખત તો ના કરવાનું કરી બેસે છે. ત્યારે એવો જ એક કિસ્સો કેશોદ તાલુકામાં સામે આવ્યો છે. જ્યાં કેશોદ તાલુકાના પીપળી નામના ગામની સીમમાં કાદાવાળી ખોડીયાર માતાજીના મંદિર ખાતે ગજેરા પરિવારે પોતાના જ પરિવારની એક સગીર વયની દીકરીમાં પ્રેત આત્મા છે તેવું કહીને, કુમળા ફૂલ જેવી માસૂમ દીકરીના હાથ અને પગને આગમાં હોમીને તેની બલી ચડાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, ગજેરા પરિવારની પુત્રવધુ માનસીબેન(નામ બદલેલ છે) પોતાની ત્રણ દીકરીઓને લઈને તેમના પતિથી છેલ્લા 7 વર્ષથી અલગ રહે છે. ત્યારે ગજેરા પરિવાર દ્વારા ગામની સીમમાં આવેલ કાદાવાળી ખોડિયાર માતાજીના મંદિર ખાતે હવન અને ડાકલાનું આયોજન કર્યું હતું. અને આ હવનમાં પુત્રવધુ માનસીબેનને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. ત્યારે માનસીબેન તેમની ત્રણેય દીકરીઓ સાથે હવનમાં પહોંચ્યા હતા.
નોંધનીય છે કે, મંદિરે પહોંચ્યા પછી માનસીબેનની બે સગીર દીકરીને બે દિવસ ભૂખી રાખી હતી. હવનમાં ભુવાઓ તેમજ પરિવાર દ્વારા કહેવામાં આવ્યું કે આ દીકરીમાં પ્રેત આત્મા છે. અને આ ઘટનામાં દીકરીના સગા પિતા પણ સામેલ હતા. ગજેરા પરિવાર તેમજ ભુવાઓ સાચા ખોટાને પારખવા બે દિવસ સુધી દીકરીને ભુખી રાખી સતત ધુણાવી રહ્યા હતા. આ સાથે જ, આ સગીર દીકરીના કુમળા હાથમાં કોલસા આપ્યા તેમજ તેને ખુલ્લા પગે આગમાં ચલાવી હતી.ત્યારે માનસીબેન પોતાની સગીર દીકરીને બચાવવા ગયા ત્યારે પરિવારના લોકોએ માનસીબેન તેમજ તેમની દીકરીઓ પર જીવલેણ હુમલો કર્યો હતો. ત્યારે માનસીબેન અને દીકરી બંને પોતાનો જીવ બચાવવા ત્યાંથી ભાગી ગયા હતા. ત્યારપછી માતા માનસીબેન પોતાની દીકરીને લઈને જૂનાગઢ સિવિલ ખાતે સારવાર અર્થે પહોંચ્યા હતા.
તમને જણાવી દઈએ કે, હાલ તો આ સમગ્ર મામલે પોલીસમાં દોડતી થઈ ગઈ છે. અને આ ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરી છે.