ચોમાસું આવતા જ બીમારીઓએ જોર પકડ્યું છે. પાણીજન્ય રોગોથી પીડિત દર્દીઓની સંખ્યા સતત હોસ્પિટલોમાં વધી રહી છે. એવામાં ચોમાસામાં બીમારીઓ ઘર ન કરી જાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા સતર્કતા દાખવવામાં આવી છે. ગુજરાતના અનેક શહેરોમાં આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડીને બિનઆરોગ્યપ્રદ વસ્તુઓના વેચાણ પર રોક લગાવવામાં આવી રહી છે. એવામાં જો તમે અમદાવાદી બહારનું ખાઈ રહ્યા હોય તો ચેતી જજો. કારણ કે, અમદાવાદની એક રેસ્ટોરન્ટની પાઉંભાજીની પ્લેટ પર જીવતી ઈયળ ફરતી જોવા મળી છે. ગ્રાહક દ્વારા આ અંગે ફરિયાદ કરવામાં આવતા રેસ્ટોરન્ટને એએમસી દ્વારા દંડ ફરકાવવામાં આવી રહ્યો છે.
અમદાવાદમાં બહારનું ખાવાના શોખીનો માટે ચેતવણીરૂપ ઘટના સામે આવી છે. વસ્ત્રાપુરમાં આવેલ પ્રખ્યાત પ્રિન્સ પાઉભાજીમાં એક પરિવાર ભોજન ખાવા ગયું હતું તે સમયે તેમના ભોજનમાંથી એક જીવંત ઈયળ નીકળી આવી હતી. એક ગ્રાહક દ્વારા પ્રિન્સ પાંઉભાજીની પાઉભાજીમાં ઓર્ડર આપવામાં આવ્યો હતો ત્યારે પાઉભાજીની પ્લેટમાં ભાજીની સાથે જીવતી ઈયળ પણ સર્વ કરી દેવાઈ હતી.
આ મામલામા ગ્રાહક દ્વારા રેસ્ટોરન્ટ માલિકને ફરિયાદ કરવામાં આવી હતી. તેનો ઉંધો જવાબ આપવામાં આવ્યો હતો. તે કારણોસર જાગૃત નાગરિક દ્વારા AMC ને આ મામલામાં જાણ કરવામાં આવી હતી. ગ્રાહકની ફરિયાદ બાદ રેસ્ટોરન્ટને 12 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. તેમ છતાં ગ્રાહક દ્વારા ઈયળનો વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેવામાં આવ્યો હતો.