ડિગ્રી વિના જ ક્લિનિક ખોલીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા બે ડોક્ટરો વિરુદ્ધ ભાવનગર SOG સ્ટાફે કરી કાર્યવાહી
ડિગ્રી વગરના બોગસ ડોક્ટરો દવાખાનું નાખીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા હોવાના કિસ્સાઓમાં ગુજરાત સહિત અને સમગ્ર દેશમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે ભાવનગરમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનાર વધુ બે બોગસ ડોક્ટરોને ઝડપી પાડવામાં આવ્યા છે. ભાવનગર શહેરના ચિત્રા, સીદસર રોડ ખાતે આવેલ મફતનગર વિસ્તારમાં તમને કમળેજ નામના ગામમાં ડિગ્રી વિના જ બે બોગસ ડોક્ટરો મેડિકલ પ્રેક્ટિસ કરતા હતા. ત્યારે એસ.ઓ.જી.એ. બંને બોગસ ડોકટરોને ઝડપી પાડીને વરતેજ પોલીસ મથકમાં તેમની વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના ચિત્રા-સિદસર રોડ ખાતે એસ ઓ જી શાખા નો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો, તે દરમિયાન ફિલ્ટરની ટાંકીની સામેની બાજુ આવેલ આવેલ ક્લિનિકમાં ઘોઘા તાલુકાના વાળુકડ ખાતે વસવાટ કરતા દિનેશભાઇ પુનાભાઈ ભોજાણી કોઈપણ ડિગ્રી વિના જ મેડીકલ પ્રેક્ટિસ કરી રહ્યા હતા. મેડીકલ પ્રેક્ટિસ કરવા માટે જરૂરી સર્ટિફિકેટ વિના જ તેઓ લોકોની સારવાર કરીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા હતા. ત્યારે SOG સ્ટાફે તેમની અટકાયત કરીને તેમની વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી. તો ક્લિનિકમાં રહેલ એલોપેથી દવાઓ, મેડિકલ સાધનો, ઇન્જેક્શન તેમજ અન્ય સાધનો એમ કુલ મળીને 11,711 રૂપિયાના મુદ્દામાલ જપ્ત કરી લીધો હતો.
ઉલ્લેખનીય છે કે, આ સિવાય વરતેજ તાબેના કમળેજ નામના ગામ ખાતે આવેલ હનુમાનજીના ચોક પાસે પણ ડિગ્રી વિના એક રહેણાકી મકાનમાં ક્લિનિક ખોલી મેડિકલ પ્રેક્ટિસ કરતા મદીન કાળુભાઈ મકવાણાને એસ.ઓ.જી. શાખાએ ઝડપી પાડ્યા હતા. અને તેમની વિરુદ્ધ વરતેજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ મેડિકલ પ્રેક્ટિસ માટે ક્લિનિકમાં રહેલ સાધનો, જુદી જુદી કંપનીની દવાઓ તેમજ ઇન્જેક્શન એક કુલ મળીને 3,765 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો.