ભાવનગર : તળાજા ના ઉંચડી ગામમાં નાવલી નદીમાં ડૂબી જવાથી બે સગા ભાઈના મોત
રાજ્યમાં સતત નદીમાં ડૂબવાની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. અવારનવાર તેને લઈને ઘટનાઓ સામે આવતી રહે છે. જ્યારે આજે આવી જ એક બાબત ભાવનગરના તળાજાના ઊંચડી ગામથી આવેલ છે. આ ગામ પાસે આવેલ નાવલી નદીના ચેકડેમ માં મિત્રો સાથે નાહવા ગયેલ બે સગા ભાઈઓના ડૂબી જવાના લીધે મૃત્યુ નીપજ્યા હોવાની જાણકારી સામે આવી છે. આ અકસ્માતના લીધે સમગ્ર ગામમાં શોકનું મોંજુ ફરી વળ્યું છે.
જાણકારી મુજબ, ઊંચડી ગામના અશોકભાઈ મોહનભાઈ ભેડા ના બે દીકરા દર્શન અને દક્ષ ગઈકાલના બપોરે સમયે મિત્રો સાથે નાવલી નદીના ચેકડેમ માં નાહવા માટે ગયેલા હતા. એવામાં આ બંને સગા ભાઈઓ ડુબવા લાગતા તેની સાથે નહાવા ગયેલા મિત્રો ભયભીત થઈ ગયા હતા. તેમના દ્વારા તાત્કાલિક ગામલોકોને આ બાબતમાં જાણ કરવામાં આવી હતી. તેમ છતાં ગ્રામજનો દ્વારા આ બાળકોનો જીવ બચાવવામાં નિષ્ફળ રહ્યા હતા.
તમને જણાવી દઈએ કે, બંને ભાઈઓ પૈકી દર્શન ધોરણ 8 માં અભ્યાસ કરતો હતો. જ્યારે નાનો દક્ષ ધોરણ 6 માં અભ્યાસ કરી રહ્યો હોવાનું પરિવારના લોકો દ્વારા જણાવવામાં આવ્યું છે. જ્યારે બે સગા ભાઈઓના મૃતદેહને તળાજા સરકારી હોસ્પિટલમાં પીએમ ખસેડી પોલીસ દ્વારા અકસ્માત મોતનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.