Gujarat

રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડમાં મામલા મોટા સમાચાર, વધુ એક અધિકારીને કરાયા સસ્પેન્ડ

રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડ મામલામાં વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે. આ મામલામાં વધુ એક અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવેલ છે. ATPO રાજેશ મકવાણાને આ મામલામાં સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પૂર્વ TPO મનસુખ સાગઠિયાને બચાવવા માટે રાજેશ મકવાણા દ્વારા રેકોર્ડમાં છેડછાડ કરી હોવાનો આરોપ લગાવાયો હતો. જ્યારે આ મામલામાં અત્યાર સુધી રાજકોટ મહાનગર પાલિકાના આઠ અધિકારીઓને સસ્પેન્ડ કરાયા છે.

રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ મામલામાં SIT દ્વારા સતત તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ અગાઉ SIT ના રિપોર્ટ બાદ વર્ષ 2021 ના PI વી. એસ. વણઝારા અને PI ધોળાને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. 2021 માં આ બંને PI રાજકોટમાં રહેલા હતા તે કારણોસર એસઆઇટી દ્વારા બંનેની જવાબદારી ફિક્સ કરવામાં આવી હતી. ગૃહ વિભાગના રિપોર્ટ બાદ રાજ્યના DGP દ્વારા આ કાર્યવાહી કરાઈ હતી.

જ્યારે વર્ષ 2021 માં PI વણઝારા અને PI ધોળા લાયસન્સ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરજ પર રહેલા હતા. SIT ની તપાસના આધારે બંને અધિકારીઓની બેદરકારી સામે આવતા ગૃહ વિભાગ દ્વારા સખ્ત કાર્યવાહી કરવામાં આવી હતી. PI વી. એસ. વણઝારા હાલમાં અમદાવાદ અને PI ધોળા કચ્છમાં ફરજ બજાવી રહેલા હતા. રાજકોટથી જે. વી ધોળા ની કચ્છ ખાતે બદલી કરાઈ હતી. હાલમાં તેઓ કચ્છમાં ફરજ પર રહેલા હતા.

રાજકોટમાં નાનામવા રોડ પર TRP ગેમ ઝોનમાં તારીખ 25 મે 2024 ના રોજ બપોર બાદ વિકરાળ આગ ફાટી નીકળતા ૨૮ લોકોના જીવ ગયા હતા. જ્યારે આ અગ્નિકાંડમાં સૌથી મોટી બેદરકારી પણ સામે આવી હતી કે, ગેમ ઝોનમાં ફાયર NOC જ રહેલા નહોતું.

ઉલ્લેખનીય છે કે, ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના આરોપી મનપાના સસ્પેન્ડેડ ટીપીઓ મનસુખ સાગઠિયા પાસેથી અત્યાર સુધીમાં 28 કરોડની મિલકત મળી છે. રાજકોટના ઈતિહાસમાં કોઈ ભ્રષ્ટ અને કલાસ-વન અધિકારી પાસેથી મળેલી આ સૌથી વધુ મિલકતો રહેલી છે. એસીબીએ તપાસ શરૂ કરતાં 2012 વર્ષથી લઈ 2024 ની વર્ષ દરમિયાન સાગઠિયાએ તેની દેખીતી આવક કરતાં ભ્રષ્ટ રીતરસમો અપનાવી રૂ. 10.55 કરોડની અપ્રમાણસર મિલકતો એકઠી કર્યાનું સામે આવતા ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.