VadodaraGujarat

વડોદરા બોટ દુર્ઘટના મામલામાં મોટા સમાચાર, હરણી પોલીસે 2 લોકોની કરી અટકાયત

વડોદરાના હરણી લેક ઝોન ખાતે સર્જાયેલ દુર્ઘટનામાં 15 લોકોના કરુણ મૃત્યુ નીપજ્યા છે. જેમાં 13 વિદ્યાર્થીઓ અને 2 શિક્ષકોના મૃત્યુ નીપજ્યા છે. જ્યારે દુર્ઘટના સ્થળ પર હજુ તપાસ ચાલી રહી છે. તેની સાથે હરણી પોલીસ દ્વારા પાંચ આરોપીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ મામલામાં પોલીસ દ્વારા બે લોકોની અટકાયત કરવામાં આવી છે.

સરકાર દ્વારા આ ગંભીર બાબતમાં ઉચ્ચકક્ષાએ તપાસ કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને જિલ્લો મેજિસ્ટ્રેટને વિગતવાર રિપોર્ટ આપવાનો આદેશ કરવામાં આવ્યો છે. જેમાં કયા સંજોગોમાં અને કયા કારણોસર બનાવ બન્યો તેનો જવાબ આપવો પડશે. આ સિવાય અન્ય કેટલાક પ્રશ્નોનો તેમાં સમાવેશ થાય છે.

નોંધનીય છે કે, વડોદરા શહેરની ન્યૂ સનરાઇઝ સ્કૂલના વિદ્યાર્થીઓ પિકનિક માટે હરણીમાં આવેલા મોટનાથ તળાવમાં બોટિંગ કરી રહ્યા હતા તે સમયે અચાનક બોટે પલટી ખાઈ લીધી હતી અને આ દુર્ઘટનામાં 15 લોકોના મૃત્યુ નીપજ્યા હતા. જેમાં 13 વિદ્યાર્થીઓ અને 2 શિક્ષકોના મૃત્યુ થયા છે. હજુ સુધી ઘણાં બાળકો અને શિક્ષકો લાપતા છે અને તેની શોધખોળ કરવામાં આવી રહી છે.

આ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ટ્વીટ કરીને જણાવવામાં આવ્યું છે કે, વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જતાં બાળકોના ડૂબવાની ઘટના અત્યંત હૃદયવિદારક છે. જાન ગુમાવનાર નિર્દોષ બાળકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરું છું. દુ:ખની આ ઘડીમાં તેમના પરિવારજનો પ્રત્યે આત્મીય સંવેદના વ્યક્ત કરું છું. પરમકૃપાળુ પરમાત્મા તેમને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે. તંત્ર દ્વારા બોટમાં સવાર વિદ્યાર્થીઓ અને શિક્ષકની બચાવ કામગીરી હાલ ચાલુ છે. દુર્ઘટનાનો ભોગ બનનારાને રાહત અને સારવાર તાકીદે મળે તે માટે તંત્રને સૂચના આપવામાં આવી છે.

તેની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ટ્વીટ કરીને મોટી જાણકારી આપી છે કે, હરણી તળાવની દુર્ઘટનામાં તંત્ર દ્વારા રાહત-બચાવ અને સારવારની કામગીરી ચાલી રહી છે. રાજ્ય સરકાર દ્વારા આ દુર્ઘટનામાં જાન ગુમાવનાર પ્રત્યેક મૃતકના પરિવારજનને રૂ. 4 લાખ અને ઈજાગ્રસ્તોને રૂ. 50,000 ની સહાય કરવામાં આવશે.