×
GujaratAhmedabad

અમદાવાદમાં ઢોસાના ખીરાથી બે બાળકીના મોત કેસમાં બ્લડ રીપોર્ટમાં મોટો ખુલાસો

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં ઢોસાનું ખીરું ખાધા બાદ બે બાળકીના શંકાસ્પદ મોત અને તેમના માતા-પિતાની તબિયત બગડવાની ઘટનામાં હવે મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે. બીમાર પડેલા માતા-પિતા વિમલ પ્રજાપતિ અને ભાવના પ્રજાપતિને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાંથી લેવામાં આવેલા તેમના બ્લડ સેમ્પલ ફોરેન્સિક તપાસ (FSL) માટે મોકલાયા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ રિપોર્ટમાં ઝેરી દવાના તત્ત્વો મળી આવતા સમગ્ર મામલો વધુ ગંભીર બન્યો છે અને પોલીસ વધુ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.

આ ખુલાસા બાદ હવે પોલીસ આત્મહત્યા કે હત્યા જેવી સંભાવનાઓને ધ્યાનમાં રાખીને તપાસ આગળ ધપી રહી છે. પ્રાથમિક અનુમાન મુજબ માત્ર ઢોસાના ખીરાથી જ બે બાળકીઓના મોત અને માતા-પિતાની ગંભીર હાલત સર્જાય તે શક્યતા ઓછી હોવાથી પોલીસ બ્લડ રિપોર્ટના આધારે કેસના દરેક પાસાને ફરીથી તપાસી રહી છે.

ગત 7 એપ્રિલે FSLની હાજરીમાં ત્રણ માસની બાળકી રાહાનો મૃતદેહ ચાર દિવસ બાદ બહાર કાઢવામાં આવ્યો હતો. પરિવારે 4 એપ્રિલે બાળકીનું અંતિમ સંસ્કાર કરી દીધું હતું. બાદમાં તપાસ દરમિયાન FSL ટીમે ઘરમાંથી ચાદર, કપડાં, ખીરું ભરેલું વાસણ, બાળકોની દવાઓ સહિત અનેક વસ્તુઓ કબજે કરી હતી.

પોલીસ હવે વિમલ પ્રજાપતિએ ખીરું ક્યાંથી અને કયા સમય પર લીધું તેમજ તે ઘરે પહોંચતા પહેલા ક્યાંક રોકાયો હતો કે નહીં તેની પણ વિગતવાર તપાસ કરી રહી છે. આ માટે રસ્તામાં આવેલા તમામ CCTV કેમેરાના ફૂટેજ ચકાસવામાં આવી રહ્યા છે અને સમગ્ર ઘટનાક્રમનું મિનિટ-ટુ-મિનિટ વિશ્લેષણ કરવામાં આવશે. પોલીસનું માનવું છે કે જો ખીરામાં જ કોઈ ખામી હોત તો અન્ય ગ્રાહકો પણ અસરગ્રસ્ત બન્યા હોત, પરંતુ આવું ન થતા કોઈ શંકાસ્પદ પરિસ્થિતિ હોવાની સંભાવના વ્યક્ત થઈ રહી છે.