વડોદરા બોટ દુર્ઘટના કેસમાં સતત નવી-નવી જાણકારીઓ સામે આવી રહી છે. એવામાં આજે વધુ એક બાબત સામે આવી છે. કોર્પોરેશન સાથે કરવામાં આવેલ મૂળ કરાર મુજબ હરણી લેકઝોનમાં માત્ર પેડલ બોટનો જ કોન્ટ્રાક્ટર રહેલો હતો. પેડલ બોટનો જ કરાર હોવા છતાં સંચાલકો દ્વારા વધુ પૈસા કમાવવા માટે મોટર બોટ ચલાવવામાં આવતી હતી. જ્યારે હરણી લેક ઝોનના કોન્ટ્રાક્ટરો દ્વારા વીમો પણ ન લીધો હોવાની જાણકારી સામે આવી છે.
તમને જણાવી દઈએ કે, પરેશ શાહ અને તેના ભાગીદારોએ જવાબ ન આપવામાં આવતા ઈન્સ્યોરન્સ કંપનીને પોલીસ દ્વારા બોલાવવામાં આવી શકે છે. કોન્ટ્રાક્ટર અને કોર્પોરેશનની બેદરાકરીના લીધે બોટ દુર્ઘટનામાં 12 વિદ્યાર્થી અને 2 શિક્ષકના મૃત્યુ નીપજ્યા છે કેમ કે, કોન્ટ્રાક્ટ અનુસાર કોન્ટ્રાક્ટર બોટ ચલાવે છે કે નહીં તેનું ચેકિંગ કરવાની જવાબદારી કોર્પોરેશનના જવાબદાર અધિકારીઓની રહેલી છે. આ કેસમાં હજુ સુધી કોર્પોરેશનના કોઈ કર્મચારી સામે કાર્યવાહી કરવામાં આવી નથી.
નોંધનીય છે કે, વડોદરા બોટકાંડમાં વધુ એક આરોપી અલ્પેશ ભટ્ટની ધરપકડ કરવામાં આવેલ છે. સૌથી પહેલા બોટિંગનો કોન્ટ્રાક્ટ અલ્પેશ ભટ્ટ પાસે રહેલો હતો અને હરણી લેકઝોનની તમામ બોટ અલ્પેશ ભટ્ટ દ્વારા લાવવામાં આવી હતી. પરેશ શાહના કહેવાથી ઓગસ્ટ 2023 માં કોન્ટ્રાક્ટ નિલેશન જૈનને અપાયો હતો. હાલમાં પોલીસ દ્વારા અલ્પેશ ભટ્ટના 5 દિવસના રિમાન્ડ પ્રાપ્ત કરવામાં આવ્યા છે. રિમાન્ડ દરમિયાન અન્ય મોટા ખુલાસાઓ હજુ પણ સામે આવી શકે છે.