ઉત્તરાયણ ચાલી ગઈ હોવા છતાં વડોદરામાં પતંગની દોરીથી બાઈક ચાલક યુવાનનું ગળું કપાયું
ઉત્તરાયણને ગયાને પંદર દિવસ પસાર થઈ ગયા હોવા છતાં શહેરમાં કેટલાંક લોકો દ્વારા ધારદાર દોરીનો ઉપયોગ કરીને પતંગો ચગાવવામાં આવી રહ્યા છે. એવામાં મકરપુરામાંથી બાઇક ઉપર પસાર થઇ રહેલા યુવાનનું પતંગની દોરીથી ગળું કપાઈ ગયું હોવાના સમાચાર સામે આવ્યા છે. દોરીના લીધે લોહી વધુ વહી જતા યુવાન રસ્તા પર ઢળી પડ્યો હતો. આ ઘટનાને લઈને સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા અને તેમના દ્વારા ઈજાગ્રસ્ત યુવાનને એમ્બ્યુલન્સ દ્વારા નજીક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
જાણકારી મુજબ, શહેરના મકરપુરા જીઆઇડીસી રોડ ઉપરથી વિપુલ પટેલ નામના વ્યક્તિ પોતાની બાઇક પર નોકરી માટે જઈ રહ્યા હતા. તે સમયે અચાનક તેમના ગળામાં પતંગની દોરી ભરાઈ જતા તે બાઇક ઉપરથી નીચે પટકાયા હતા. આ ઘટનાને લઈને સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા. જ્યારે વિપુલ પટેલના ગળામાં દોરી આવી જતા તે લોહીલુહાણ થઈ ગયા હતા. સ્થાનિક લોકો દ્વારા તેના ગળામાં રૂમાલ અને કપડું મૂકી લોહીને વહેતું અટકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેની સાથે ઘટનાની જાણકારી 108 એમ્બ્યુલન્સને મળતા તે તાત્કાલિક ઘટનાસ્થળ પર દોડી આવી હતી.
તમને જણાવી દઈએ કે, લોહીથી લથપથ થઇ ગયેલા વિપુલ પટેલના શરીરમાંથી લોહી વહી જવાના લીધે તે સ્થળ પર ઉંધા મોંઢે પટકાયા હતા. આ દરમિયાન 108 એમ્બ્યુલન્સ કર્મચારીઓ દ્વારા સ્થાનિક લોકોની મદદથી ઈજાગ્રસ્ત વિપુલ પટેલને એમ્બ્યુલન્સમાં હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. તેની સાથે ઉત્તરાયણ ગયાને 15 દિવસ પસાર થઈ ગયા હોવા છતાં લોકો દ્વારા હજુ પણ પતંગ ચગાવવામાં આવી રહ્યા છે તેને લઈને લોકોમાં ભારે રોષ રહેલો છે.