વિવાદિત બિનસચિવાલય કલાર્કની પરીક્ષા રદ્દ: સરકારની નબળી કામગીરીને કારણે ઉમેદવારો ના ભાવિ સાથે ખેલ,
ગુજરાતમાં વિવાદિત બિન સચિવાલય ક્લાર્કની ભરતી પરીક્ષા આખરે રદ્દ કરી દેવાઈ છે.પરીક્ષામાં ગેરરીતિઓ થઇ હોવાનો SITએ સ્વીકાર કર્યો છે. ફરિયાદમાં જે પુરાવાઓ મળ્યા હતા તે સાચા સાબિત થયા છે. ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે વિદ્યાર્થી આગેવાનોએ અમને જે પુરાવાઓ આપ્યા હતા તેની ચકાસણી કરવામાં આવી છે. સીસીટીવીમાં જોવા મળ્યું કે પરીક્ષાર્થીઓ ચોરી કરીને જબાવો લખી રહ્યા હતા.આ દોષિતો સામે ફરિયાદ નોંધવામાં આવશે અને તે ઉમેદવારો 3 વર્ષ સુધી કોઈ પરીક્ષા નહીં આપી શકે.
સીસીટીવીના તમામ ફુટેજની ચકાસણી કરવામાં આવી હતી અને આ તપાસ દરમિયાન વિડીયો ફૂટેજ સાચા સાબિત થયા હતા.વિદ્યાર્થીઓએ પરીક્ષા કેન્દ્રો પરથી કેટલાંક ઉમેદવારોએ વોટ્સએપ મારફતે પ્રશ્નપત્રનો ફોટો પાડીને અન્ય વ્યક્તિને મોકલ્યું હતું અને તે થોડી જ મિનિટોમાં વાઇરલ થઇ ગયું હતું. આ વાત પણ સાચી સાબિત થઇ હતી.
પરીક્ષા રદ્દ કરીને હાલ ગુજરાત સરકાર કહી રહી છે કે વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લીધો પણ બે-બે વર્ષથી પરીક્ષાની તૈયારી કરી હોય તેનું શું? વાંક તો સરકારનો છે કે જે એક પરીક્ષા યોગ્ય રીતે લઈ નથી શકતી.LRD પરીક્ષા પણ રદ્દ થઇ હતી એની પહેલા તલાટી ભરતીમાં કૌભાંડ થતા તે પણ રદ્દ કરવી પડી હતી. હાલમાં તલાટીની ભરતીના ફોર્મ દોઢ વર્ષ પહેલા ભરાયા છે છતાં હજુ પરીક્ષા લેવાઈ નથી અને લેવાશે તો રદ્દ જ થશે તેવું હવે ઉમેદવારો કહી રહયા છે.