GujaratSouth GujaratSurat

કામને પૂર્ણ કરવા માટે પૈસાની માંગણી કરતા ભાજપના કોર્પોરેટરનું સ્ટિંગ ઓપરેશન આવ્યું બહાર, AAP એ કર્યા ગંભીર આક્ષેપ

સુરતમાં એક જાગૃત નાગરિક દ્વારા કરવામાં આવેલા સ્ટિંગ ઓપરેશનમાં ભાજપના વોર્ડ નંબર 39ના કોર્પોરેટર વૈશાલી પાટીલ કામને પૂર્ણ કરવા માટે 1.50 લાખ રૂપિયાની માગણી કરી રહ્યા છે. સ્ટિંગ ઓપરેશનના જાહેર કરાયેલા વીડિયોમાં મહિલા કોર્પોરેટર તેમના પતિ રાજેન્દ્ર પાટીલ તેમજ મળતીયો ભરત હાજર હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. ત્યારે આ સ્ટિંગ ઓપરેશનને લઈને આમ આદમી પાર્ટીએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે. તેમજ આ મામલે SITની રચના કરીને તપાસ હાથ ધરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, વિપક્ષ નેતા ધર્મેશ ભંડેરીએ આ સમગ્ર મામલે ACB સામે સવાલ ઉભા કરતા કહ્યું છે કે, આ
સ્ટિંગ ઓપરેશન કરનાર જાગૃત નાગરિકે ACBને તમામ પુરાવા સાથે આ બાબતની જાણ કરવામાં આવી તેમ છતાં પણ ACB એ કેમ ફરિયાદ નોંધીને કોઈ તપાસ કે કાર્યવાહી કરી નહિ. તો AAPના પ્રદેશ અધ્યક્ષ ઇસુદાન ગઢવીએ પણ આ મામલે ભાજપ સરકાર સામે આકરા પ્રહારો કર્યા છે.અને SITની ટીમની રચના કરીને આ સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તેવી માંગ કરી છે. ઇસુદાન ગઢવીએ ACB પર આક્ષેપ કર્યા હતા કે ACBમાં પણ ઘણી બધી ગડબડો ચાલી રહી છે તેની પણ નિષ્પક્ષ તપાસ કરવામાં આવવી જોઈએ.

તમને જણાવી દઈએ કે, સ્ટિંગ ઓપરેશનમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે ભાજપના કોર્પોરેટર વૈશાલી પાટીલ કેટલીક સનસનીખેજ વાતો કરી રહ્યા છે.તો તેમના પતિ રાજેન્દ્ર પાટીલ પણ કામને પતાવવા માટે રૂપિયામાં વાહીવટનો રિવાજ ચાલતો હોવાની વાત કરતા દેખાઈ રહ્યા છે. ત્યારે આટલા ગંભીર મામલામાં સરકાર શુ એક્શન લે છે તેના પર સૌ કોઈની નજર છે.