SaurashtraGujaratRajkot

ભાજપના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાનું પુરુષોત્તમ રૂપાલાના નિવેદન અંગે મોટું નિવેદન

રાજકોટ ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીને લઈને ક્ષત્રિય સમાજ દ્વારા સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે. ક્ષત્રિય સમાજની વિવિધ સંસ્થાઓની રચાયેલી સંકલન સમિતિ દ્વારા ગામેગામ રૂપાલાનો અને હવે ભાજપનો પણ વિરોધ શરુ કરવામાં આવ્યો છે. ત્યારે અબડાસા બેઠક પર ભાજપના ક્ષત્રિય ધારાસભ્ય દ્વારા પણ રૂપાલાના નિવેદનને અયોગ્ય ગણાવવામાં આવ્યું છે. જ્યારે ક્ષત્રિય સમાજમાં ખૂબ નારાજગી હોવાનો સ્વીકાર કરવામાં આવ્યો હતો.

તમને જણાવી દઈએ કે, ક્ષત્રિય સમાજના આંદોલનના પાર્ટ-2 ની શરૂઆત થઈ ગઈ છે. જ્યારે બીજી તરફ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને ગુજરાત પ્રદેશ ભાજપના સંગઠન મહામંત્રી દ્વારા સૌરાષ્ટ્રના એક બાદ એક જિલ્લાની મુલાકાતે પહોંચી ભાજપ સંગઠન અને ભાજપના ક્ષત્રિય નેતાઓ સાથે બેઠક કરવામાં આવી રહી છે. આ બંને આગેવાનો સોમવારના કચ્છ પહોંચ્યા હતા. કચ્છમાં ભાજપના ક્ષત્રિય નેતાઓ સાથે બેઠક યોજવામાં આવી હતી. બેઠક બાદ અબડાસાના ભાજપના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા દ્વારા મીડિયા સાથે વાતચીતમાં જણાવવામાં આવ્યું હતું કે, અમારા રાજપૂત ક્ષત્રિય સમાજના આગેવાનો, સમાજના પ્રમુખ સાથે બેઠક કરવામાં અવી હતી. રૂપાલા સાહેબ જે બોલ્યા તેના પરથી જે રોષ છે તેના વિશે ચર્ચા કરવા આવી હતી. કઈ રીતે સમાધાન થાય અને કઈ રીતે સમાજને સમજાવી એ બધી ચર્ચા કરવામાં આવી હતી. પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિ દ્વારા કહ્યું કે, અમે મીટીંગ કરીશું અને પછી આ બાબતમાં અમે જવાબ આપીશું.

તેની સાથે ધારાસભ્ય દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું હતું કે,  ક્ષત્રિય સમાજમાં જે ચૂંટાયેલા છે તે પ્રયાસો કરી રહ્યા છે. સમાજમાં ખૂબ નારાજગી છે તે હકીકત છે. પ્રદ્યુમનસિંહથી જ્યારે પુરુષોત્તમ રૂપાલાના નિવેદન વિષે પૂછવામાં આવ્યું કે તે યોગ્ય છે અયોગ્ય છે? તેના પર તેમના દ્વારા અયોગ્ય જણાવવામાં આવ્યું હતું.