વડોદરા: ભાજપના MLA કેતન ઈનામદારે ધારાસભ્ય પદેથી રાજીનામુ આપ્યું, કહ્યું મંત્રીઓ-અધિકારીઓ મારુ સાંભળતા નથી
વડોદરાઃ ગુજરાત ભાજપમાં છેલ્લા કેટલાક સમયથી નેતાઓમાં નારાજગી હોવાનું સામે આવતું રહ્યું છે. એક ચર્ચા એવી પણ ચાલી રહી છે કે ટૂંક સમયમાં ગુજરાતના સીએમ પદે પણ નવો ચહેરો આવી શકે છે ત્યારે આજે વડોદરાની સાવલી વિધાનસભા બેઠકના ધારાસભ્ય કેતન ઇનામદારે રાજીનામુ આપી દીધું છે. કેતન ઇનામદારે પત્રમાં દુઃખની લાગણી સાથે પોતાની વ્યથા રજુ કરી છે.
કેતન ઇનામદારે પાત્રમાં લખ્યું છે કે,હું સાવલી વિધાનસભા માટે વિસ્તારના ધારાસભ્ય તરીકે પ્રતિનિધિત્વ કરું છું. મારા વિસ્તારના લોકોની કેટલીક માંગણીઓ, રજૂઆતો સંદર્ભે સરકારશ્રી અને વહીવટીતંત્ર ના સંકલન ના સભાવે સરકારશ્રી ના મંત્રીશ્રીઓ અને ઉચ્છ અધિકારીઓ ધ્યાન આપતા નથી. પ્રજાના પ્રતિનિધિ તરીકે અમારા ધારાસભ્ય પદની ગરિમા અને સન્માન ન જળવાતું હોવાથી તેમજ ધારાસભ્ય પદ અને હોદ્દાની અવગણના કરવામાં આવે છે.
ભારતીય જાણતા પાર્ટીની શિસ્ત અને સિદ્ધાંતો ને વળગી રહીને અત્યારસુધી પ્રજાલક્ષી કામો કરતો આવ્યો છું.પ્રજાના સેવક તરીકે અમુક બાબતોમાં સરકારશ્રીને વારંવાર રજૂઆતો છતાં મંત્રીશ્રીઓ અને ઉચ્ચ અધિકારીઓ ધારાસભ્ય તરીકે અમારી અને મારા સાથી ધારાસભ્યોની અવગણના કરે તે દુઃખદ બાબત છે.મારી અવગણના એ મારા મતક્ષેત્રના લોકોના હિતોની અવગણના છે.
મારા ભારે હર્દયે પક્ષની તમામ શિસ્ત અને વિચારધારાને આજદિન સુધી નિભાવેલ છે.અને નાછૂટકે હું કેતનકુમાર મહેન્દ્રભાઈ ઇનામદાર, 135-સાવલી વિધાનસભા ધારાસભ્ય પદ પરથી પ્રજાના હિતમાં રાજીનામુ આપું છું.
ભાજપના ધારાસભ્યે રાજીનામુ આપતા હવે સવાલ એ થાય છે કે જો સરકાર અને મંત્રીઓ દ્વારા જો પોતાની જ પાર્ટીના ધારાસભ્યોની વાત પણ ધ્યાને ન લેવામાં આવતી હોય તો સામાન્ય પ્રજાની શું હાલત હશે? ભાજપમાં પાર્ટીના કહ્યા મુજબ જ નેતાઓએ કામ કરવું પડે છે નહીં કે પ્રજાના હિતમાં, આવા આરોપ પણ અંદરખાને ધારાસભ્યો લગાવતા હોય છે. કેતન ઇનામદારે સાથી ધારાસભ્યોની વાત પણ કરી છે એ જોતા હજુ પણ કેટલાક ધારાસભ્યો રાજીનામુ આપે તો નવાઈ નહીં..!