સુરતમાં સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી બે વિદ્યાર્થિનીના મૃતદેહ મળ્યા
સુરત શહેરના ડીંડોલી વિસ્તારમાં આવેલા સણિયા કણદે રોડ પર સ્થિત આત્મીય સંસ્કારધામ સ્વામિનારાયણ મંદિરમાંથી બે વિદ્યાર્થિનીઓના મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ઉધના સિટીઝન કોલેજમાં અભ્યાસ કરતી 18 વર્ષીય રોશની શરદ શિરસાઠ અને 20 વર્ષીય જોસના અતુલ ચૌધરી સવારે કોલેજ જવા માટે ઘરેથી નીકળી હતી, પરંતુ લાંબા સમય સુધી ઘરે પરત ન ફરતાં પરિવારજનો ચિંતિત બન્યા હતા. બંનેના ફોન પણ બંધ આવતા પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી. બાદમાં બંને યુવતીઓના મૃતદેહ મંદિર પરિસરના બાથરૂમમાંથી શંકાસ્પદ હાલતમાં મળી આવતા ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. જાણ થતા જ ડીંડોલી પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી અને બંનેના મૃતદેહોને પોસ્ટમોર્ટમ (Postmortem) માટે હોસ્પિટલ મોકલી આગળની તપાસ શરૂ કરી છે.
આ સમગ્ર ઘટનાની તપાસ દરમિયાન એક ચોંકાવનારી માહિતી પણ સામે આવી છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આત્મહત્યા કરતા પહેલા બંને વિદ્યાર્થિનીઓએ પોતાના મોબાઈલ ફોનમાં ChatGPT જેવા AI પ્લેટફોર્મ પર ‘How to commit suicide’ (આત્મહત્યા કેવી રીતે કરવી) વિશે માહિતી શોધી હતી. આ ડિજિટલ સર્ચ હિસ્ટ્રી મળતાં પોલીસ પણ આશ્ચર્યમાં પડી ગઈ છે. ઘટનાસ્થળેથી કેટલાક ઇન્જેક્શનની સિરીંજ પણ મળી આવી હોવાનું જાણવા મળ્યું છે, જે આ કેસમાં કોઈ ખાસ રીત અપનાવવામાં આવી હોવાની શંકા મજબૂત બનાવે છે. હાલ પોલીસ દ્વારા બંનેના મોબાઈલ ફોન કબજે કરીને તેને ફોરેન્સિક તપાસ (Forensic Investigation) માટે મોકલવામાં આવ્યા છે.
પરિવારજનોએ જણાવ્યું હતું કે બંને યુવતીઓ સવારે લગભગ 7 વાગ્યે કોલેજ જવા માટે નીકળી હતી અને સામાન્ય રીતે બપોરે 12:30 વાગ્યે ઘરે પરત આવતી હતી. પરંતુ તે સમયે ઘરે ન આવતા પરિવારજનોએ 1:30 વાગ્યા બાદ સતત ફોન કરવાનો પ્રયાસ કર્યો હતો. કોઈ જવાબ ન મળતાં અંતે બપોરે લગભગ 3 વાગ્યે ડીંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ (FIR) નોંધાવવામાં આવી હતી. ત્યારબાદ પરિવારજનોએ પોતે પણ શોધખોળ શરૂ કરી અને મોબાઈલનું લોકેશન ટ્રેસ કરતા સ્વામિનારાયણ મંદિર નજીકનું સ્થાન દર્શાવ્યું હતું. ત્યાં પહોંચતા તેમની સ્કૂટર મળી આવી હતી. મંદિર પરિસરની તપાસ દરમિયાન એક બાથરૂમની લાઈટ ચાલુ દેખાતા શંકા ગઈ હતી. બાથરૂમ અંદરથી બંધ હોવાથી દરવાજો તોડતા બંને યુવતીઓ બેભાન હાલતમાં પડીેલી મળી આવી હતી.
પરિવારજનોએ તરત જ બંનેને નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા, પરંતુ ત્યાંથી તેમને સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવ્યા જ્યાં ફરજ પરના ડોક્ટરોએ બંનેને મૃત જાહેર કર્યા હતા. પોલીસના જણાવ્યા મુજબ મંદિર પરિસરમાં CCTV કેમેરા (CCTV Footage) લાગેલા છે અને તેના ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે.
ડીંડોલી પોલીસ સ્ટેશનના PI આર. જે. ચુડાસમાએ જણાવ્યું હતું કે સવારે લગભગ 7:15 વાગ્યે બંને યુવતીઓ મંદિર પરિસરમાં પ્રવેશતી CCTVમાં જોવા મળી છે અને થોડા સમય બાદ તેઓ બાથરૂમ તરફ જતા દેખાય છે. બાથરૂમની અંદરથી ઝેરના પડીકા પણ મળી આવ્યા છે, જેને વધુ તપાસ માટે FSLમાં મોકલવામાં આવશે. હાલ પોલીસ પરિવારજનોના નિવેદનો લઈ રહી છે અને સમગ્ર મામલે આત્મહત્યાનું સાચું કારણ જાણવા ઊંડાણપૂર્વક તપાસ (Police Investigation) ચાલી રહી છે.