આમ આદમી પાર્ટીમાં યુવાનોને જોડવા બ્રિજરાજ સોલંકીએ શરૂ કર્યો ગુજરાતનો પ્રવાસ
ગુજરાતમાં પોતાનું સ્થાન જમાવવા માટેનો પ્રયત્ન કરી રહેલી આમ આદમી પાર્ટી (AAP)એ વિધાનસભા બાદ હવે લોકસભા ચૂંટણીની તૈયારીઓ કરી રહી છે. ત્યારે આમ આદમી પાર્ટીના ગુજરાતના યુવા અધ્યક્ષ બ્રિજરાજ સોલંકી હાલના દિવસોમાં ખૂબ ચર્ચામાં છે. હાલ એક બાજુ તેમના એક ગીતને 33 મિલિયન વ્યુ મળ્યા છે તો એક તરફ તેઓ ગુજરાતના યુવાનોને આમ આદમી પાર્ટીમાં જોડવા માટે સમગ્ર ગુજરાતમાં પ્રવાસ કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, ભાવનગર જિલ્લાના બ્રિજરાજ સોલંકી એ કોળી સમાજ માંથી આવે છે. હાલ તેઓ પાર્ટીના બધા જ કાર્યક્રમોમાં આગવી રીતે ભાગ લઈ રહ્યા છે. તેઓ ભાવનગરના કોળી સમાજના કદાવર આગેવાન રાજુ સોલંકીના પુત્ર છે. વીર માંધાતા કોળી સમાજ સંગઠન ગુજરાતના માધ્યમથી રાજુ સોલંકી સમાજ સેવામાં ઘણા લાંબા સમયથી સક્રિય છે. તેઓ હાલ આમ આદમી પાર્ટી ની રાષ્ટ્રીય ટીમમાં છે.
નોંધનીય છે કે, ગુજરાતમાં ભાજપ સૌથી મજબૂત પક્ષ છે. અને કોંગ્રેસ વિધાનસભાની ચૂંટણીમાં કારમી હાર થયા પછી નબળી જણાઈ રહી છે. ત્યારે આમ આદમી પાર્ટીમાં યુવાનોને જોડીને પાર્ટીને મજબૂત બનાવવા માટે બ્રિજરાજ સોલંકીને યુવા પ્રમુખની જવાબદારી સોંપવામાં આવી છે.ત્યારે બ્રિજરાજ સોલંકી પણ પાર્ટીએ આપેલી જવાબદારી પૂરી કરવા માટે સમગ્ર ગુજરાતમાં પ્રવાસ કરીને યુવાનોને પાર્ટીમાં જોડી રહ્યા છે.