Gujarat

મેઘરાજાની ધમાકેદાર બેટિંગથી સીદસરમાં આવેલો રાજાશાહી વખતનો પુલ તૂટ્યો, ઠેર ઠેર ફરી વળ્યું વરસાદી પાણી

સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ત્યારે ગતરોજ જામનગર જિલ્લાના લાલપુર અને જામજોધપુરમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. જામજોધપુરમાં દિવસ દરમિયાન કુલ 7 ઇંચ વરસાદ પડ્યો હતો. તો જામનગર જિલ્લાના સિદસર ખાતે પૂર આવતાં રાજાશાહીના સમયનો પુલ પણ તૂટી ગયો છે. આ સિવાય સીદસર ખાતે આવેલ મા ઉમિયા માતાના મંદિરમાં પણ મોટા પ્રમાણમાં પાણી ઘુસી ગયું હતું. લાલપુરના અનેક વિસ્તારોમાં તો પાણી એટલા ભરાયા કે અનેક જગ્યાએ વાહનો પાણીમાં તણાયાં હોવાના પણ સમાચાર સામે આવ્યા હતા.

આ પણ વાંચો: અમદાવાદમાં આજ સુધીનો સૌથી ભયાનક અકસ્માત: ઇસ્કોન બ્રિજ પર અકસ્માત જોવા ઉભેલા લોકો પર 160 ની સ્પીડે આવતી જેગુઆર કાર ફરી વળી, પોલીસકર્મી સહિત 9 લોકોના મોત

ઉલ્લેખનીય છે કે, જામનગરમાં ગતરોજ ધોધમાર વરસાદ પડવાના કારણે જ્યાં જોવો ત્યાં બસ પાણી જ પાણી જોવા મળતું હતું. જામજોધપુર અને લાલપુર તાલુકામાં ધોધમાર વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાયા હતા. વેણુ નદીનું પાણી જામજોધપુરના સીદસર ગામ ખાતે આવેલ ઉમિયા માતાજી મંદિરની અંદર આવી ગયું હતું. બીજી બાજુ લાલપુર ગામમાં પણ ઢાંઢર નદીનું પાણી ઘુસી ગયું હતું. તો ભારે વરસાદને પગલે એસટી ડેપો નજીક આવેલ રાધેશ્યામ મંદિરમાં પણ મોટા પ્રમાણમાં પાણી ઘુસી ગયો હતું. તો એસટી ડેપોમાં પણ જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાતું હતું.

આ પણ વાંચો: મગજની નસ કેમ અને કેવી રીતે ફાટે છે? બ્રેઈન હેમરેજના કારણો અને બચવાના ઉપાયો જાણો

નોંધનીય છે કે, રાજકોટ જિલ્લાના જેતપુર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં પણ ગત રોજ આખા દિવસ દરમિયાન 5 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. જેના કારણે જેતપુરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. તો બીજી બાજુ જેતપુરના કેન્દ્રીય વિદ્યાલય નજીકના કોઝવે ઉપર મોટા પ્રમાણમાં વરસાદી પાણી ફરી વળતા શિક્ષકો અને 40થી પણ વધુ વિદ્યાર્થીઓ શાળામાં ફસાઈ ગયા હતા. ત્યારે શાળાના પાછળના ભાગેથી તમામ લોકોને રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવ્યા હતા. આમ ગતરોજ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયું હતું.