અમદાવાદ: પતિએ લગ્ન બાદ કેનેડા લઈ જવાની આપી લાલચ અને પછી..
લગ્ન બાદ વિદેશ જવાની લાલચ આપીને છેતરપિંડી આચરવાની ઘટનાઓ દિવસે ને દિવસે વધી રહી છે. ત્યારે આવીજ એક ઘટનાને લઈને અમદાવાદ શહેરના સેટેલાઇટ વિસ્તારમાં એક પરિણીતાએ તેના પતિ અને સાસુ- સસરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ અનુસાર, પરિણીતા અને તેનો પતિ એક વર્ષ પહેલા શાદી ડોટ કોમ પર મળ્યા હતા. અને ત્યાંથી બંને વચ્ચે વાતચીત શરૂ થઈ હતી. બંનેના આ બીજા લગ્ન છે તેવું વાતચીત દરમિયાન જ સ્પષ્ટ થઈ ગયું હતું.
વાતચીતમાં પતિ લગ્ન બાદ પનીને કેનેડા લઈ જવાની લાલચ આપ્યા કરતો હતો. ત્યારે કેનેડા જવાની લાલચમાં આવીને પરિણીતાએ લગ્ન માટે હા પાડી હતી. અને બંનેના પરિવારોની સહમતીથી રીત રિવાજ મુજબ લગ્ન કરવામાં આવ્યા હતા. લગ્ન બાદ બન્ને પતિ-પત્ની હનીમૂન પર પણ ગયા હતા. પરંતુ લગ્નના થોડા સમય બાદ જ ઘરમાં ઝઘડા શરૂ થઈ ગયા હતા.
પરિણીતાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, લગ્ન બાદ તેણી જ્યારે પણ કેનેડા જવાની વાત કરે ત્યારે તેનો પતિ તેણીને ખરાબ ગાળો બોલીને તેને ખૂબ માર મારતો હતો. અને આ વાતની જાણ પરિણીતાએ જ્યારે કેનેડામાં રહેતા તેના સાસુ સસરાને કરી ત્યારે તેઓ તેમના છોકરાને સમજાવવાને બદલે પરિણીતાને જ દોષ આપતા હતા.
પરિણીતાએ જણાવ્યું હતું કે, એક વખત તેના સસરા અમદાવાદ આવ્યા હતા અને તેનો પતિ કોઈ કામ અર્થે કેનેડા ગયો હતો. ત્યારે તેના સસરા કામ બાબતે રોજ મ્હેંણા મારીને તેણીની સાથે ઝગડો કરતા હતા. અને કહેતા હતા કે કામ ના કરવું હોય તો તારા પિયર જતી રહેજે. પરિણીતાના સાસુ પણ તેણીને માનસિક ત્રાસ આપતા હતા. તેણીના સાસુ કહેતા હતા કે મારા દીકરાના આ બીજા લગ્ન છે.
જો એને તારી સાથે નહિ ફાવે તો એ ત્રીજા લગ્ન કરીને ત્રીજી પત્નીને SPOUSE વિઝા પર બે વર્ષ સુધી કેનેડા લાવી શકશે નહીં માટે મારો દીકરો તારા SPOUSE વિઝાની પ્રોસેસ કરતો નથી. પરિણીતાએ જણાવ્યું હતું કે, તેના સાસુ સસરા અવારનવાર દહેજ ને લઈને મ્હેણા મારતા હતા અને માનસિક ત્રાસ આપતા હતા.ઉલ્લેખનીય છે કે, હાલ આ મામલે સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં પરિણીતાએ તેના પતિ તેમજ સાસુ-સસરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. અને સમગ્ર મામલે સેટેલાઇટ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.